ICDS ચોર્યાસી અને AMNS કંપનીનાં સંયુક્ત ઉપક્રમે મોરા ગામ ખાતે વિશેષ કીટ વિતરણ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

૧૩૦ જેટલી સગર્ભા તથા ધાત્રી માતાઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ કરાઈ
મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કિશોરીઓને એજ્યુકેશન કીટ અપાઈ
૦ થી ૧ વર્ષની નવજાત બાળકીઓને વધામણા કીટ આપી આવકારવામાં આવી
નિષ્ણાત તબીબો, ગાયનેકોલોજિસ્ટ અને ડાયટિશિયન દ્વારા સગર્ભા માતાઓને અપાયું વિશેષ માર્ગદર્શન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૬. પોષણ માસ ૨૦૨૬ અંતર્ગત સામુદાયિક સ્વાસ્થ્ય, શિક્ષણ અને મહિલા સશક્તિકરણની પ્રતિબદ્ધતાનાં ભાગરૂપે મોરા ગામ ખાતે ICDS ચોર્યાસી અને AMNS કંપનીનાં સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત વિસ્તારની આશરે ૧૩૦ જેટલી સગર્ભા તથા ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી ન્યુટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવી હતી. માતાઓનાં સ્વાસ્થ્યની સાથે સાથે દીકરીઓનાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે, મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યક્રમમાં હાજર ગ્રામ્ય વિસ્તારની કિશોરીઓને એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજમાં દીકરીઓનાં જન્મને ઉત્સવની જેમ ઉજવવાનાં હેતુથી ૦ થી ૧ વર્ષની નવજાત બાળકીઓને ‘વધામણા કીટ’ આપીને હર્ષભેર વધાવવામાં આવી હતી.
સદર કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે મોરાનાં જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી ધર્મિષ્ઠાબેન પટેલ, હજીરાનાં જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી નર્મદાબેન પટેલ તથા ચોર્યાસી તાલુકાનાં CDPO શ્રીમતી દીક્ષિતાબેન ડોડીયા તેમજ AMNS ઇન્ડિયા (હજીરા) નાં સીએસઆર લીડ કિરણસિંહ સિંધા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમ દરમિયાન આમંત્રિત નિષ્ણાત ડોક્ટર્સ, ગાયનેકોલોજિસ્ટ અને ડાયેટિશિયન દ્વારા ઉપસ્થિત સગર્ભા માતાઓને ગર્ભાવસ્થા દરમિયાન રાખવાની કાળજી, જરૂરી પોષક તત્વો, માનસિક સ્વાસ્થ્ય અને નવજાત શિશુની સંભાળ અંગે ખૂબ જ ઉપયોગી અને વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. મહાનુભાવોએ પોતાનાં ઉદબોધનમાં જણાવ્યું હતું કે કંપની અને સરકારી વિભાગનાં આ સંયુક્ત ત્રિવેણી પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં પોષણ સ્તર સુધારવા, કિશોરીઓનાં શિક્ષણને વેગ આપવા અને ‘બેટી બચાવો’નાં સંદેશને સાર્થક કરવાનો છે. આ સરાહનીય અને પ્રેરણાદાયી આયોજન બદલ સ્થાનિક પરિવારો અને લાભાર્થી માતાઓએ સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
