181 અભયમ ઉમરા ટીમની સમયસર કામગીરીથી 18 વર્ષની દીકરીનું પરિવાર સાથે સફળ પુનઃમિલન
181

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૧૨. સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી 18 વર્ષની એક દીકરી મળી આવી હોવાની જાણ કરવામાં આવી હતી. દીકરી ઘરેથી બહાર નીકળી આવી હોવાનું અને તે ગભરાયેલી સ્થિતિમાં હોવાથી મદદની જરૂરિયાત હોવાનું જણાવવામાં આવ્યું હતું. માહિતી મળતાં જ 181 અભયમ ઉમરા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
સ્થળ પર પહોંચ્યા બાદ 181 અભયમની મહિલા ટીમે દીકરી સાથે શાંતિપૂર્ણ અને સંવેદનશીલ રીતે વાતચીત શરૂ કરી હતી. શરૂઆતમાં દીકરી પરિવાર અંગે કોઈ માહિતી આપવા તૈયાર ન હતી. ટીમે કોઈપણ પ્રકારનું દબાણ કર્યા વિના દીકરીની વાત ધીરજપૂર્વક સાંભળી અને તેને વિશ્વાસપૂર્ણ વાતાવરણ આપ્યું હતું.
સતત અને સમજણપૂર્વકના કાઉન્સેલિંગ દરમિયાન દીકરી ધીમે ધીમે ટીમ સાથે વાતચીત કરવા લાગી હતી. કાઉન્સેલિંગના પરિણામે દીકરીએ પોતાના પિતાની જરૂરી માહિતી અને સરનામું આપ્યું હતું. ત્યારબાદ ટીમે પરિવારનો સંપર્ક કરી સમગ્ર પરિસ્થિતિ અંગે જાણ કરી હતી.
કાઉન્સેલિંગ દરમિયાન દીકરીએ જણાવ્યું હતું કે પરિવાર સાથેની કેટલીક બાબતોને લઈને તે નારાજ હતી. તેને ગામડે રહેવાની ઇચ્છા હતી અને આ બાબતે પરિવાર સાથે વાતચીત બાદ તે કોઈને જાણ કર્યા વગર ઘરેથી બહાર નીકળી આવી હતી.
શરૂઆતમાં દીકરી પરિવાર પાસે પરત જવા માટે તૈયાર ન હતી. આવી પરિસ્થિતિમાં 181 અભયમ ઉમરા ટીમે તેની વાતને સમજપૂર્વક સાંભળી, તેની લાગણીઓને મહત્વ આપ્યું અને ધીરજપૂર્વક કાઉન્સેલિંગ કર્યું હતું. ટીમની સમજણપૂર્વકની વાતચીતથી દીકરીનો વિશ્વાસ વધ્યો અને અંતે તે પરિવાર પાસે પરત જવા માટે સંમત થઈ હતી.
ત્યારબાદ 181 અભયમ ઉમરા ટીમ દીકરી દ્વારા જણાવવામાં આવેલા સરનામે પહોંચી હતી અને પરિવાર સાથે રૂબરૂ વાતચીત કરી હતી.
પરિવાર સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે દીકરીની માતા નથી. તેના પિતા બાળકોના સારા ભવિષ્ય માટે ઉત્તર પ્રદેશથી સુરત ખાતે રોજગાર અર્થે આવ્યા છે અને બાળકો સાથે રહે છે. પિતાએ જણાવ્યું હતું કે બાળકોનું શિક્ષણ અને ભવિષ્ય સારું બને તે માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.
પરિવારને 181 અભયમની મહિલા ટીમ દ્વારા દીકરી સાથે પ્રેમ, ધીરજ અને સમજણપૂર્વક વાતચીત કરવા, તેની લાગણીઓને સમજવા અને તેને વિશ્વાસપૂર્ણ વાતાવરણ આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ કોઈપણ પ્રકારના અપશબ્દો કે મારપીટનો ઉપયોગ ન કરવા અને દીકરીના શિક્ષણ તથા ભવિષ્યને પ્રાથમિકતા આપવા સમજાવવામાં આવ્યું હતું.
સાથે જ દીકરીને પણ પરિવારની પરિસ્થિતિ સમજવા, પરિવાર સાથે ખુલ્લી રીતે વાતચીત કરવા અને ગુસ્સા કે નારાજગીની સ્થિતિમાં કોઈને જાણ કર્યા વગર ઘરેથી બહાર ન નીકળવા સમજાવવામાં આવી હતી. મુશ્કેલીની પરિસ્થિતિમાં પરિવાર, વિશ્વાસુ વ્યક્તિ અથવા 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લેવા અંગે પણ માહિતી આપવામાં આવી હતી.
કાઉન્સેલિંગ બાદ દીકરીએ પરિવારની વાત સમજવાની અને પરિવાર સાથે શાંતિપૂર્વક રહેવાની તૈયારી દર્શાવી હતી. 181 અભયમ ઉમરા ટીમની સમયસર કામગીરી, સંવેદનશીલ કાઉન્સેલિંગ અને પરિવાર સાથેની અસરકારક સમજાવટના પરિણામે 18 વર્ષની દીકરીનું પરિવાર સાથે સુરક્ષિત અને સફળ પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું.
આ સમગ્ર કામગીરીમાં 181 અભયમની મહિલા ટીમે દીકરીનો વિશ્વાસ જીતવા, તેની લાગણીઓને સમજવા અને પરિવાર સાથે સકારાત્મક વાતાવરણ ઊભું કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અંતે પરિવારે 181 અભયમ ઉમરા ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
