વ્યારાના રાહવીર દિલિપભાઈ ગામીતે અકસ્માતમાં ઘાયલ મહિલાને સમયસર મદદ કરી જીવ બચાવ્યો

તાપી જિલ્લામાં મહેંકી માનવતા
—
સોનગઢ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કર્યો હતો
—
અકસ્માત થાય ત્યારે ચિંતા વગર ઇજાગ્રસ્તની મદદ કરવા અપીલ કરતા દિલિપભાઈ ગામીત
—
વાહન અકસ્માતના કિસ્સામાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડનાર રાહ-વીરને મળે છે રૂ. ૨૫,૦૦૦ ની પ્રોત્સાહન રાશી
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 09. :- સમાજમાં જ્યારે પણ માનવતા અને સંવેદનશીલતાની વાત આવે છે, ત્યારે કેટલાક જાગૃત નાગરિકો ખડેપગે રહીને એ સાબિત કરી દે છે કે માનવતા હજુ જીવંત છે. તાપી જિલ્લાના વ્યારા ખાતેથી આવો જ એક પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વ્યારાના એક જાગૃત નાગરિકે અકસ્માતગ્રસ્ત મહિલાની વ્હારે આવીને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વ્યારાના રહેવાસી અને મૂળ સોનગઢ તાલુકાના ચાકળીયા ગામના રહેવાસી દિલિપભાઈ બાબલાભાઈ ગામીત તા. ૨૩ જુન, ૨૦૨૬ ના રોજ સવારે ૭ વાગ્યાની આસાપસ ચોરવાડ ગામની સીમમાંથી પસાર થતા સુરત-ધૂળિયા નેશનલ હાઈવે નંબર-૫૩ ઉપર વ્યારાથી સોનગઢ તરફ આવતા રોડ પર ચોરવાડ પાટિયા પાસે પંક્ચરવાળાની દુકાને પોતાના વાહનના ટાયરમાં હવા ભરાવી રહ્યા હતા. બરાબર એ જ સમયે ત્યાં એક ગંભીર અકસ્માત સર્જાતા શ્રી દિલિપભાઈએ કોઈપણ પ્રકારના વિલંબ કર્યા વગર ઘટના સ્થળે પહોંચી ત્વરિત ૧૦૮ એમ્બ્યુલન્સ નો સંપર્ક કરીને બનાવ અંગેની આરોગ્ય સ્ટાફને જાણકારી આપી હતી.
આ ઘટના અંગે રાહવીરશ્રી દિલિપભાઈ ગામીતે જણાવ્યું કે, જ્યારે મેં બહેનને લોહીલુહાણ હાલતમાં જોયા, ત્યારે કઈપણ વિચાર્યા વગર બહેનને તાત્કાલિક સારવાર મળી રહે અને તેઓ સુરક્ષિત રહે તે માટે મે ૧૦૮ ને કોલ કર્યો હતો. એમ્બ્યુલન્સની ટીમ પણ ત્વરિત ધોરણે પહોંચીને બહેનને હોસ્પિટલ લઈ ગયા હતા. મને ખુશી છે કે મારી સમયસૂચકતાથી તે બહેનને સમયસર સારવાર મળી શકી. હું દરેક નાગરિકને અપીલ કરું છું કે ક્યારેય પણ કોઈ અકસ્માત થાય તો ડર્યા વગર ઘાયલોની મદદે આગળ આવવું જોઈએ.
માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડીને તેમનો અમૂલ્ય જીવ બચાવનાર રાહવીરશ્રી દિલિપભાઈ ગામીત જેવા સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે સરકારની ‘રાહ-વીર યોજના’ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ સરાહનીય કામગીરી બદલ રાહવીર દિલિપભાઈને સરકાર તરફથી રૂ. ૨૫,૦૦૦ ને પ્રોત્સાહન રાશી આપી સન્માનિત કરાશે. જેનાથી અન્ય નાગરિકો પણ પ્રેરણા મેળવી શકશે.
રાહ-વીર યોજના શું છે ?
રાહવીર યોજના ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે, જે અંતર્ગત માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને ‘ગોલ્ડન અવર’ (પ્રથમ ૧ કલાક) માં હોસ્પિટલ પહોંચાડીને તેમનો જીવ બચાવનાર વ્યક્તિને રૂ. ૨૫૦૦૦ નું પુરસ્કાર અને સન્માનપત્ર આપવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય નિઃસ્વાર્થ ભાવે મદદ કરનારને પ્રોત્સાહિત કરવાનો અને અકસ્માતમાં થતા મૃત્યુદર ઘટાડવાનો છે.
નોંધનીય છે કે, વાહન અકસ્માતના કિસ્સામાં મદદ કરનારને પોલીસની કોઈપણ પૂછપરછ કે કાયદાકીય ઝંઝટમાંથી મુક્તિ આપવામાં આવે છે. મદદ કરનારે નજીકના પોલીસ સ્ટેશનમાં પોતાનું નામ નોંધાવવું પડે છે, ત્યારબાદ જિલ્લા કમિટી દ્વારા ચકાસણી કરીને પુરસ્કાર ઓનલાઈન આપવામાં આવે છે. વાહન અકસ્માતના ભોગ બનનારને મદદ કરનાર આવી વ્યક્તિને ‘ગુડ સમરિટન’ તથા ‘રાહ-વીર’ તરીકે ઓળખવામાં આવે છે.
જો જિલ્લાનો કોઈ પણ વ્યક્તિ આવા ગંભીર માર્ગ અકસ્માતના ભોગ બનનારને હોસ્પિટલ પહોંચાડશે, તો પોતાનુ પુરુ નામ, સરનામું, મોબાઈલ નંબર, બેંક ખાતાની વિગતો, અકસ્માતની તારીખ-સમય તેમજ અકસ્માતગ્રસ્ત વ્યક્તિને કેવી રીતે મદદ કરી તેની વિગત હોસ્પિટલ સ્ટાફ અથવા નજીકના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને આપવાની રહેશે.
પોલીસ દ્વારા આ માહિતીની પહોંચ આપવામાં આવ્યા બાદ એવોર્ડ માટેની ભલામણ જિલ્લા કક્ષાની મૂલ્યાંકન સમિતિને મોકલવામાં આવે છે. જિલ્લા કલેક્ટરની આગેવાની હેઠળની આ સમિતિ દ્વારા મંજૂરી મળ્યા પછી, એવોર્ડની રકમ સીધી જે તે રાહવીરના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા કરવામાં આવે છે અને સાથે જ પ્રશંસા પ્રમાણપત્ર પણ એનાયત થાય છે.
માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલ વ્યક્તિને સારવાર દરમિયાન મોટું ઓપરેશન કરવું પડે, ઓછામાં ઓછા ત્રણ દિવસ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેવું પડે, મગજ અથવા કરોડરજ્જુને ગંભીર ઈજાઓ થઈ હોય, અથવા સારવાર દરમિયાન મૃત્યુ જેવી કોઈપણ એક પરિસ્થિતિ ઊભી થાય અને હોસ્પિટલ દ્વારા તે અંગેનું જીવલેણ અકસ્માત પ્રમાણપત્ર આપવામાં આવે, તો તે અકસ્માતને ‘ફેટલ (જીવલેણ) અકસ્માત’ ગણવામાં આવશે. આવી પરિસ્થિતિમાં દર્દીને સારવાર અર્થે પહોંચાડનાર રાહવીરને સરકાર દ્વારા પ્રોત્સાહિત કરાશે.
આલેખન – રોશન જી. સાવંત
●○●
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
