181 અભયમ ઉમરા ટીમની સમયસર મદદથી 13 વર્ષની દીકરીનું પરિવાર સાથે સફળ પુનઃમિલન
181 helpline

સંવેદનશીલ કાઉન્સેલિંગથી દીકરીનો વિશ્વાસ જીતી સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડી
(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૨૧. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી 13 વર્ષની દીકરી મળી આવી હોવાની જાણ કરવામાં આવી હતી. દીકરી ઘરેથી નીકળી આવી હોવાનું અને ગભરાયેલી સ્થિતિમાં હોવાથી મદદની જરૂર હોવાનું જણાવતાં 181 અભયમ ઉમરા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.
ટીમે દીકરી સાથે શાંતિપૂર્ણ, સંવેદનશીલ અને પ્રેમભાવપૂર્વક વાતચીત કરી હતી. શરૂઆતમાં દીકરી પરિવાર અંગે માહિતી આપતા અચકાતી હતી. ટીમે કોઈપણ પ્રકારનું દબાણ કર્યા વિના વિશ્વાસપૂર્ણ વાતાવરણ ઊભું કરી કાઉન્સેલિંગ કરતા દીકરીએ પોતાના પિતાનું સરનામું આપ્યું હતું. ત્યારબાદ ટીમે જરૂરી માહિતી મેળવી પરિવારનો સંપર્ક કર્યો હતો.
કાઉન્સેલિંગ દરમિયાન દીકરીએ જણાવ્યું હતું કે પરિવાર તરફથી તેને હેરાનગતિ થતી હતી અને હાથ ઉપાડવાનો પ્રયાસ પણ કરવામાં આવતો હતો. આ પરિસ્થિતિથી નારાજ થઈ તે વહેલી સવારે કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી આવી હતી. દીકરી ધોરણ-8માં અભ્યાસ કરે છે.
શરૂઆતમાં દીકરી ઘરે પરત જવા તૈયાર ન હતી. 181 અભયમ ઉમરા ટીમે ધીરજપૂર્વક અને લાગણીસભર રીતે કાઉન્સેલિંગ કરી દીકરીનો વિશ્વાસ જીત્યો અને તેને પરિવાર પાસે પરત જવા માટે રાજી કરી હતી.
ત્યારબાદ 181 અભયમ ટીમ દીકરીએ જણાવેલા સરનામે પહોંચી પરિવાર સાથે રૂબરૂ વાતચીત કરી હતી. પરિવાર સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે દીકરીની માતા સાથે રહેતી નથી અને દીકરી તથા તેના નાના ભાઈ-બહેનના પાલનપોષણની જવાબદારી દાદી સંભાળે છે. દાદીએ જણાવ્યું હતું કે બાળકોનું ભવિષ્ય સારું બને તે માટે તેઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે. દીકરી વારંવાર ઘરેથી નીકળી જતી હોવાથી અને પરિવારની વાત ન સાંભળતી હોવાથી દાદીએ તેને સમજાવી હતી. આ બાબતથી નારાજ થઈ દીકરી સ્કૂલ જવાના બહાને કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી.
પરિવારને દીકરીની નાની ઉંમરને ધ્યાનમાં રાખી તેની સાથે પ્રેમ, ધીરજ અને સમજણપૂર્વક વાતચીત કરવા, કોઈપણ પ્રકારની મારપીટ કે અપશબ્દોનો ઉપયોગ ન કરવા તથા તેના શિક્ષણ અને ભવિષ્યને પ્રાથમિકતા આપવા સમજ આપવામાં આવી હતી. દીકરીની લાગણીઓને સમજવા અને તેને વિશ્વાસપૂર્ણ તથા સુરક્ષિત વાતાવરણ આપવા પણ પરિવારને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાથે જ દીકરીને પરિવારની પરિસ્થિતિ સમજવા, ગુસ્સામાં ઘરેથી ન નીકળવા, કોઈપણ ખોટો નિર્ણય ન લેવા તથા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી જીવનમાં સારી દિશામાં આગળ વધવા સમજાવવામાં આવી હતી.
દીકરીની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાથી JJ Act મુજબ તેની સુરક્ષા અને હિતને પ્રાથમિકતા આપી જરૂરી કાઉન્સેલિંગ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાઉન્સેલિંગ બાદ દીકરીએ પોતાની ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં અભ્યાસ પર ધ્યાન આપવાની ખાતરી આપી હતી. 181 અભયમ ઉમરા ટીમની સમયસર કામગીરી, સંવેદનશીલ કાઉન્સેલિંગ અને પરિવાર સાથેની અસરકારક સમજાવટના પરિણામે 13 વર્ષની દીકરીનું પરિવાર સાથે સુરક્ષિત અને સફળ પુનઃમિલન કરાવવામાં આવ્યું હતું. અંતે પરિવારે 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.181
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
