ભારતીય મેજર કાર્પમાં પ્રેરિત પ્રજનન અંગે પ્રાયોગિક તાલીમ કાર્યક્રમ ઉકાઈ ખાતે યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૯. કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ, વેરાવળના વિદ્યાર્થીઓ માટે ભારતીય મેજર કાર્પ માછલીઓમાં પ્રેરિત પ્રજનન અંગેનો એક પ્રાયોગિક તાલીમ કાર્યક્રમ સેંટર ઓફ એક્સેલન્સ ઇન એકવાકલચર, કામધેનુ યુનિવર્સિટિ, ઉકાઈ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનો મેજર હેતુ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં મેળવેલા સૈદ્ધાંતિક જ્ઞાન સાથે પ્રેરિત પ્રજનનની વાસ્તવિક પ્રક્રિયાઓનો પ્રત્યક્ષ અનુભવ કરાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન કુ. રીના હલપતિ અને ડૉ. આશિફ ભાદરકા વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રાયોગિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવાની તક મળી હતી.
કાર્યક્રમની શરૂઆત પ્રેરિત પ્રજનન વિષય પર શૈક્ષણિક વ્યાખ્યાનથી કરવામાં આવી હતી. ડૉ. ક્રિના પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય મેજર કાર્પમાં પ્રેરિત પ્રજનનની વિવિધ પ્રક્રિયાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વ્યાખ્યાન બાદ વિદ્યાર્થીઓને ક્ષેત્ર મુલાકાત અને પ્રાયોગિક નિરીક્ષણ માટે લઈ જવામાં આવ્યા હતા. આ ક્ષેત્ર મુલાકાત દરમિયાન સંજના કાર્તુ અને હાર્દિક સીકોતેરિયા દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ જળચરઉછેર પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતર્ગત વિદ્યાર્થીઓએ સેલુડ ગામ ખાતે આવેલા કેજ કલ્ચર સ્થળની મુલાકાત લીધી હતી. અહીં વિદ્યાર્થીઓએ કેજની રચના અને સ્થાપના, માછલીઓનો સંગ્રહ, ફીડ વ્યવસ્થાપન, માછલીઓની દેખરેખ તથા કેજ કલ્ચરની દૈનિક વ્યવસ્થાપન પદ્ધતિઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
ત્યારબાદ વિદ્યાર્થીઓએ ભારતીય મેજર કાર્પની હેચરીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમને પ્રેરિત પ્રજનન અંગે પ્રાયોગિક અનુભવ મેળવવાની તક મળી હતી. હેચરીમાં વિદ્યાર્થીઓએ બ્રૂડસ્ટોકની પસંદગી, પરિપક્વ માછલીઓની ઓળખ, હોર્મોનલ પ્રેરણા, સ્પોનિંગ, નિષેચિત ઈંડાંનું સંકલન, ઈંડાંનું ઇન્ક્યુબેશન, હેચિંગ અને લાર્વલ ઉછેર જેવી પ્રક્રિયાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા.હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
