મફત ચક્ષુ નિદાન અને સારવાર તેમજ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચકાસણી કેમ્પ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩. સિનિયર સિટીઝ્ન ગ્રુપ, વ્યારાના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે Rotary Club of Vyara અને તાલુકા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે તા. 13-8-26 ને ગુરુવારે, બપોરે 2.00 કલાક થી 5.00 કલાક સુધી સિનિયર સિટીઝ્ન ગ્રુપ વ્યારાના પ્રાંગણમાં વિના મૂલ્યે નેત્રયજ્ઞનું અને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આંખની તપાસ માટે રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ, નવસારીના ડોક્ટર અને ઓપ્ટોમેટ્રિસ્ટ ની ટીમ હાજર રહી હતી. વિવિધ પ્રકારે ઝીણવટભરી આંખની તપાસ કરી સિનિયર સીટીઝન ગ્રૂપના સભ્યો અને વ્યારા નગરના લાભાર્થીઓને નજીકના અને દૂરની દ્રષ્ટીની સમસ્યાઓ, નજીકના ચશ્મા અને આંખમાં નાંખવાના ટીપાં આપવામાં આવ્યા. કેમ્પમાં કુલ 63 લાભાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 23 લાભાર્થીઓને નજીકના ચશ્મા વિના મૂલ્યે આપવામાં આવ્યા અને 7 લાભાર્થીઓને વધુ તપાસ માટે રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી ખાતે રિફર કરવામાં આવ્યા છે. 9 લાભાર્થીઓને મોતિયાના ઓપરેશનનું નિદાન કરવામાં આવ્યું. આ લાભાર્થીઓને તા. 18-8-26 ને મંગળવારે રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ, નવસારીનું વાહન આવી લઈ જશે. દરેક લાભાર્થીને એમના એક અંગત વ્યક્તિ સાથે નવસારી રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટ મુકામે ઓપરેશન – રહેવા – ભોજનની વિના મૂલ્યે સેવા આપવામાં આવશે.
વિના મૂલ્યે નેત્રયજ્ઞ હવેથી દર મહિનાના બીજા અને ચોથા ગુરુવારે સિનિયર સિટીઝ્ન ગ્રુપ વ્યારાના પ્રાંગણમાં યોજાશે. હવે પછીનો કેમ્પ ઓગસ્ટ મહિનાની તા. 27-8-26 – ચોથા ગુરુવારે યોજાશે. તાલુકા હેલ્થ ઓફિસર – ડૉ. પ્રણય પટેલના માર્ગદર્શન હેઠળ એમની વ્યારા તાલુકા આરોગ્ય વિમાગની ટીમ દ્વારા 36 લાભાર્થીઓ ના ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર ની પણ ચકાસણી કરવામાં આવી. 4 લાભાર્થી ઓના બ્લડ પ્રેશર વધુ દેખાતા તેમને વધુ તપાસ અને દવાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ 6 લાભાર્થી ઓની લોહી તપાસમાં રેન્ડમ સુગર વધારે નોંધાતા તેમને વધુ તપાસ અર્થે સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યા.

આ કેમ્પની સફળતા માટે રોટરી વ્યારા પ્રમુખ કમલ ભાવસાર, સર્વિસ પ્રોજેકટ ચેર નિલેષ સોની, રાજેશ શેઠે ભારે જહેમત ઉઠાવી. કેમ્પમાં આવેલ લાભાર્થીઓ અને રોટરી આઇ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટરો અને ઓપ્ટોમેટ્રિસ્ટની ટીમ, તાલુકા આરોગ્ય વિમાગની ટીમ અને સિનિયર સીટીઝન ગ્રૂપના સ્વયંસેવકો માટે ચ્હા – નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સિનિયર સીટીઝન ગ્રૂપના પ્રમુખ સુભાષભાઈ શાહ, મંત્રી – મહેશભાઇ શાહ, સનતભાઈ જોશી, રાજુભાઇ જે. શાહ અને રાજુભાઇ સૌદાંકાર અને અન્ય વડીલોના સહકારથી આજનો કેમ્પ સફળ રહ્યો. વ્યારા નગરપાલિકાના સીનિયર સિટીઝન ક્લબના ચેરમેન શ્રીમતી નીલાબેન પંડ્યા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી સભ્યો નીતા પારેખ, કલ્પેશ પારેખ અને ગૌરાંગ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી વર્ષ 2026-27 દરમ્યાન આવા ઘણા કેમ્પો કરવાનું આયોજન કર્યું છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
