‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વ્યારામાં ઉમટ્યો જનમેદનીનો મહાસાગર

0
‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વ્યારામાં ઉમટ્યો જનમેદનીનો મહાસાગર
Contact News Publisher

પ્રકૃતિના ખોળે વસેલો તાપી જિલ્લો રાષ્ટ્રભક્તિના રંગે રંગાયો

એકતા જ આપણી સાચી તાકાત, આ એકતા આવનારી પેઢી માટે પ્રેરણા બનશે : આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ

— 

“વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પ સાથે પર્યાવરણ અને સ્વચ્છતા પર ભાર મૂકતા રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

— 

પોલીસ માર્ચ, ઘોડસવાર દળ અને બેન્ડની સૂરાવલીઓ અને દેશભક્તિના નારાથી ગુંજ્યું વ્યારા

—  

જન-જનથી જનપ્રતિનિધિ સુધી હજારોની સંખ્યામાં સૌ તિરંગા સાથે યાત્રામાં જોડાયાં, ૧૦૦૦ ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૩. :- વંદે માતરમ્‌ની ભાવનાને સમર્પિત ‘હર ઘર તિરંગા’ યાત્રા અંતર્ગત જિલ્લાકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, વ્યારા આજે દેશભક્તિના રંગે રંગાયું છે. વ્યારા જ નહીં, તાપી જિલ્લાના તમામ નાગરિકોની સહભાગીદારી અહીં નજરે પડી રહી છે, ત્યારે આપણી સૌની એકતા આવનારી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે. ભારત આજે વિશ્વના શક્તિશાળી દેશોની હરોળમાં ઊભું છે અને સમગ્ર વિશ્વને એકતા તથા વિકાસનો માર્ગ બતાવી રહ્યું છે.

 

આ સાથે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે પણ હાથમાં તિરંગા સાથે ઉપસ્થિત તમામ જનમેદનીને જોતા કહ્યું કે, એકતા જ આપણી સાચી તાકાત છે. એકતાથી બધું જ શક્ય બને છે. તેમણે પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા પર વિશેષ ભાર આપીને, સૌના વિકાસને કેન્દ્રમાં રાખીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા આહ્વાન કર્યું હતું.

 

નોંધનીય છે કે, મંત્રી સર્વશ્રી નરેશભાઈ પટેલ અને મંત્રી ડો. જયરામભાઈ ગામીતની સાથે ધારાસભ્ય સર્વશ્રી મોહનભાઈ કોંકણી અને કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા સહિતના અધિકારીઓ, ઉપસ્થિત મહાનુભાવો અને આમંત્રિતોએ વ્યારાના ઉનાઈ નાકાના સ્વામી વિવેકાનંદ રીવરફ્રન્ટ બસ સ્ટેન્ડ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

 

‘દેશભક્તિના રંગે રંગાઈએ, તિરંગાના સંગે જોડાઈએ’ના નારા સાથે યોજાયેલી આ ભવ્ય તિરંગા યાત્રામાં સમાજના દરેક વર્ગની અભૂતપૂર્વ સહભાગીદારી જોવા મળી હતી. આ પ્રસંગે નાના-નાના બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વડીલો અને કલાકારો તેમજ મંત્રીશ્રીઓ, જનપ્રતિનિધિઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને ઉત્સાહભેર જોડાયા હતા.

 

યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ પોલીસ જવાનોની ટુકડી, ઘોડસવાર દળ અને રાષ્ટ્રભક્તિના સૂરો રેલાવતી બેન્ડ પાર્ટીએ આખી યાત્રામાં અનેરો ભવ્ય રંગ પૂર્યો હતો. આ ભવ્ય તિરંગા યાત્રા મુખ્ય બજારમાંથી પસાર થતાં જ નગરજનોએ તેનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. સમગ્ર નગર દેશભક્તિના સૂર અને ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારાઓથી ગુંજી ઊઠ્યું હતું.

 

આ ભવ્ય તિરંગા યાત્રામાં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર ૧૦૦૦ ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ રહ્યો હતો. આ વિરાટ તિરંગાને હાથમાં પકડીને ઉત્સાહભેર આગળ વધતા નાગરિકોના દ્રશ્યે સમગ્ર વાતાવરણને અદભુત દેશભક્તિના રંગે રંગી દીધું હતું. આ હજાર ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલા જનમેદનીના ઉમંગે યાત્રામાં એકતા, દિવ્યતા અને રાષ્ટ્રગૌરવનો અનોખો રંગ પૂર્યો હતો.

 

આ પ્રસંગે મંત્રીશ્રીઓ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વ્યારા ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજી અને ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક વંદન કર્યા હતા. અંતમાં ઉપસ્થિત સૌ નાગરિકો દ્વારા દેશભક્તિના વાતાવરણમાં સામુહિક ‘વંદે માતરમ્’ અને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’નું ભાવપૂર્ણ ગાન કરવામાં આવ્યું હતું.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

_______________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *