તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ અને રમતવીરોને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી આપી ભેટ

0
તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ અને રમતવીરોને નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી આપી ભેટ
Contact News Publisher

રૂ. ૧૬.૬૫ કરોડના ખર્ચે નવનિર્મિત વ્યારામાં રમત સંકુલ હોસ્ટેલ અને રૂ. ૮.૭૭ કરોડના સોનગઢ તાલુકા રમત સંકુલનું ઈ-લોકાર્પણ

વ્યારા ખાતે રૂ. ૩.૩૧ કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન લાઇબ્રેરીનું ઈ-લોકાર્પણ

મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી રાજ્યવ્યાપી ‘શક્તિદૂત ૨.૦’ યોજનાનો ભવ્ય શુભારંભ કરાવ્યો

— 

વ્યારા કોલેજ ખાતે જિલ્લાકક્ષાનો કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીની ઉપસ્થિતિ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 12. ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી શક્તિદૂત 2.0 ના શુભારંભ સાથે તાપી જિલ્લામાં રૂ. ૧૬.૬૫ કરોડના ખર્ચે રમતવીરો માટે સુવિધાયુક્ત નવનિર્મિત રમત સંકુલ હોસ્ટેલ બિલ્ડીંગ, સોનગઢ ખાતે રૂ. ૮.૭૭ કરોડના ખર્ચે તાલુકા રમત સંકુલ અને વ્યારા ખાતે રૂ. ૩.૩૧ કરોડના ખર્ચે નવનિર્મિત લાઇબ્રેરીનું ઈ-લોકાર્પણ કરીને રમતવીરો અને વિદ્યાર્થીઓને ભેટ ધરી હતી.

 

આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડીએલએસએસના તથા તમામ રમતવીરોને સંબોધતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ‘ખેલમહાકુંભ’નું જે બીજ વાવ્યું હતું, તે આજે વટવૃક્ષ બની ચૂક્યું છે. આજે રાજ્યના રમતવીરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલો હાંસલ કરીને રાજ્યનું ગૌરવ વધારી રહ્યા છે.

 

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રાજ્યના રમતવીરો માટે અત્યાધુનિક સ્પોર્ટ્સ સંકુલ, રમતલક્ષી અન્ય તમામ સુવિધાઓ અને ‘શક્તિદૂત’ જેવી યોજનાઓ અમલમાં મૂકીને રમતવીરોના ભાવિ કારકિર્દી અંગે તેમને નિશ્ચિંત કર્યા છે.

 

આ તકે વ્યારાના આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીએ આશા વ્યક્ત કરી કે, તાપી જિલ્લાના રમતવીરો સરકારની વિવિધ રમતલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લઈ, સખત પરિશ્રમ દ્વારા આગામી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં મેડલ જીતીને તાપી જિલ્લા સહિત સમગ્ર રાજ્ય અને દેશનું નામ રોશન કરશે.

 

વ્યારા જિલ્લા રમત સંકુલ ખાતે રૂ. ૧૬.૬૫ કરોડના ખર્ચે તૈયાર અધ્યતન હોસ્ટેલ બિલ્ડીંગની વાત કરીએ તો, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર હસ્તકના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે રૂ. ૧૬.૬૫ કરોડના ખર્ચે નિર્મિત આધુનિક સ્પોર્ટ્સ હોસ્ટેલ બિલ્ડીંગમાં રમતવીરો માટે ૩-બેડ રૂમની સુવિધા, ૫૦ લોકોની ક્ષમતા ધરાવતો ડાઈનીંગ હોલ, વોર્ડન ઓફિસ, વોર્ડન રૂમ, મનોરંજન રૂમ, કિચન, સર્વિસ એરિયા, ઇલેક્ટ્રિક રૂમ અને કોમન ટોઇલેટ તેમજ બાહ્ય રોડ-રસ્તા, પેવર વર્ક, પાર્કિંગ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, બાહ્ય વોટર સપ્લાય અને સ્ટ્રીટ લાઈટ જેવી તમામ ઉત્કૃષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 

સોનગઢ ખાતે રૂ. ૮.૭૭ કરોડના આયોજિત ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન સોનગઢ તાલુકા રમત સંકુલમાં ખેલાડીઓના માટે આધુનિક ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ, વોલીબોલ-કબડ્ડી-ખો-ખો કોર્ટ, ૨૦૦ મીટરનો મડી એથ્લેટિક ટ્રેક તેમજ ગ્રાસી ફુટબોલ ગ્રાઉન્ડ સહિતની સુવિધા સાથે આ સંકુલ વિકસાવવામાં આવ્યુ છે.

 

નવીન ‘શક્તિદૂત ૨.૦’ યોજના હેઠળ રમતવીરો માટે મહત્તમ સહાય રૂ. ૨૫ લાખથી વધારીને રૂ. ૫૦ લાખ કરાઈ છે અને નિશ્ચિત સમયમર્યાદા દૂર કરી સતત સહાય અપાશે. યોજનામાં દિવ્યાંગ ખેલાડીઓને સમાન તક મળશે અને વયમર્યાદા ૧૨ થી ૨૦ વર્ષથી ઘટાડીને ૯ વર્ષથી ઉપર કરાઈ છે. રમત નિષ્ણાતો સાથે વૈજ્ઞાનિક પોઇન્ટ સિસ્ટમ દ્વારા ઓલિમ્પિક, એશિયન અને કોમનવેલ્થ ગેમ્સને પ્રાધાન્ય આપી પારદર્શક પસંદગી કરાશે. આ ઉપરાંત, યોજના બહારના ઉત્કૃષ્ટ ખેલાડીઓ માટે તાત્કાલિક સહાય તથા મૂલ્યાંકન આધારે કેટેગરી અપગ્રેડ કરવાની વ્યવસ્થા બનાવાઈ છે.

 

તાપી જિલ્લાકક્ષાના આ કાર્યક્રમમાં વ્યારા કૉલેજ ખાતે પ્રાંત અધિકારી શ્રી સંદીપ ગાયકવાડ, ડીવાયએસપી શ્રીમતી નિકિતા શિરોયા, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ચેતન પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી અમૃતા ગામીત, નગરપાલિકા અને તાલુકાના અગ્રણીઓ, જનપ્રતિનિધિઓ, કોચિંગ સ્ટાફ, ડીએલએસએસના વિદ્યાર્થીઓ, શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *