વ્યારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય જિલ્લા કક્ષાની ઉજવણી યોજાશે

ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર શ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે થશે ધ્વજવંદન
જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી, તમામ વિભાગોને સુચારુ આયોજન માટે જરૂરી સૂચનાઓ આપી
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 06. :-તાપી જિલ્લામાં આગામી ૧૫મી ઑગસ્ટે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ-૨૦૨૬ની જિલ્લા કક્ષાની ઉજવણી વ્યારાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય અને ગૌરવપૂર્ણ માહોલમાં યોજાનાર છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર શ્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.તેઓ પરેડની સલામી ઝીલશે તેમજ પ્રજાજોગ સંબોધન કરશે.
આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સુવ્યવસ્થિત, શિસ્તબદ્ધ અને યાદગાર બને તે હેતુથી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પૂર્વ આયોજન બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ કાર્યક્રમની વિવિધ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે આમંત્રિત મહેમાનો અને નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, શુદ્ધ પીવાના પાણીની પૂરતી સુવિધા, સ્થળની સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુચારુ આયોજન, પોલીસ બેન્ડ અને પરેડનું શિસ્તબદ્ધ પ્રદર્શન, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, તબીબી સેવાઓ તેમજ વાહન પાર્કિંગની સુવ્યવસ્થિત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જાળવી સમયમર્યાદામાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવા તેમજ રાષ્ટ્રીય પર્વની ગરિમાને અનુરૂપ કોઈપણ પ્રકારની ખામી ન રહે તે રીતે તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો. સાથે જ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેનારા મહાનુભાવો અને નાગરિકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે તમામ વિભાગોએ સંકલનપૂર્વક કામગીરી કરવાની પણ સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લાના પોલીસ વડા શ્રી જે. એન. દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામનિવાસ બુગાલિયા, નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. આર. બોરડ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
