વરસાદી સંકટમાં તાપીનું આરોગ્ય તંત્ર બન્યું જનસ્વાસ્થ્યનું સુરક્ષાકવચ

અતિશય વરસાદની વચ્ચે લોકોના સ્વાસ્થ્ય માટે તાપી આરોગ્ય તંત્રની ૫૦૬ ટીમો દિવસ-રાત ખડેપગે : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા
===
મુશ્કેલીના સમયે વહીવટી તંત્ર અમારી ચિંતા કરી છે, તે બદલ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરું છું : બેડચિત ગામના રહેવાસી ભૂમિકાબેન વસાવા
===
ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને ગ્રામજનો, સગર્ભા માતાઓ, બાળકો અને વૃદ્ધોનું આરોગ્ય સર્વે તથા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું
===
૧૨૪થી વધુ સગર્ભા માતાઓની રૂબરૂ મુલાકાત લઈને આરોગ્યકર્મીઓએ કાળજી લીધી
===
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :તા. ૨૫. :– વરસાદના આગમનની રાહ સૌ કોઈ જોતું હોય છે. વરસાદ ખુશહાલી, હરિયાળી અને જીવનનું પ્રતિક છે. પરંતુ જ્યારે એ જ વરસાદ અતિવૃષ્ટિનું સ્વરૂપ ધારણ કરે, ત્યારે સામાન્ય જનજીવન પર તેની સીધી અસર થાય છે. આવા સંજોગોમાં તાપી જિલ્લા વહીવટી તંત્ર દરેક પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા સજ્જ રહે છે. માર્ગોની સ્થિતિ, નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર, આરોગ્ય સેવાઓ અને રાહત કામગીરી જેવા દરેક પાસાં પર આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવે છે.
હાલ તાપી જિલ્લામાં આવી જ વરસાદી પરિસ્થિતિમાં તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગની ટીમો દિવસ-રાત ખડેપગે નાગરિકોના સ્વાસ્થ્ય કાજે સેવા આપી રહી છે.
આ પ્રસંગે ડોલવણ તાલુકાના બેડચિત ગામના રહેવાસી ભૂમિકાબેન વિનોદભાઈ વસાવાએ જણાવ્યુ કે, બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો હતો. આવા સમયે આરોગ્ય કેન્દ્રની ટીમે અમારા ઘરે આવીને બહુ જ કાળજીપૂર્વક અમારી તપાસ કરી અને જરૂરી દવાઓ આપી… મુશ્કેલીના સમયે વહીવટી તંત્ર અમારી ચિંતા કરી છે, તે બદલ વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરું છું.
ડોલવણ તાલુકાના બેડચિત સબ-સેન્ટરમાં ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર તરૂણાબેન ચૌહાણે જણાવ્યું કે, ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. તેમ છતાં આરોગ્ય વિભાગની ટીમે સવારે સાત વાગ્યાથી જ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે પહોંચી આરોગ્ય તપાસ શરૂ કરી હતી.
તેમણે જણાવ્યું કે, રાત્રે લગભગ બે વાગ્યાથી વરસાદ વરસી રહ્યો હતો. આવી પરિસ્થિતિને લઈને અમારી ટીમે સવારે ૭ વાગ્યે જ બેડચિત અને ભોજપુર ગામના કુલ ૨૧ ઘરોમાં રહેતા ૮૮ અસરગ્રસ્ત નાગરિકો સુધી પહોંચી આરોગ્ય તપાસ કરી અને જરૂરી દવાઓનું વિતરણ કર્યું. છેલ્લા બે દિવસથી ટીમ સતત મેદાનમાં રહી કામગીરી કરી રહી છે.
ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને બીમાર વ્યક્તિઓ, સગર્ભા માતાઓ, બાળકો અને વૃદ્ધોનું આરોગ્ય સર્વે તથા સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતુ. ઉપરાંત ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની નિયમિત દવાઓ ઘરઆંગણે પહોંચાડવામાં આવી હતી. પીવાના પાણીના નમૂનાઓની ચકાસણી, ક્લોરીન ટેબ્લેટનું વિતરણ તેમજ પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો ન ફેલાય તે માટે એન્ટી-લાર્વલ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ વસાવાએ સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ પીવાના પાણીના ક્લોરીનેશન અને ક્લોરિન ટેસ્ટિંગની ચકાસણી કરી હતી. આ તકે તેમણે સ્થાનિક આરોગ્ય ટીમ તેમજ ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને શુદ્ધ પાણી વાપરવા અને રોગચાળા સામે જરૂરી સાવચેતી રાખવા અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સમગ્ર જિલ્લામાં ૫૦૬ ટીમો સતત કાર્યરત – મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગની ૫૦૬ ટીમો સતત ઘરે-ઘરે સર્વેલન્સ, આરોગ્ય તપાસ અને દવા વિતરણની કામગીરી કરી રહી છે. વરસાદ બાદ મલેરિયા, ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય અને પાણીજન્ય રોગોનો પ્રકોપ ન ફેલાય તે માટે એન્ટી-લાર્વલ કામગીરી, બાળેલા તેલનો ઉપયોગ તથા અન્ય નિવારક પગલાં લેવામાં આવી રહ્યા છે.
ઉપરાંત, આગામી ૩૧ જુલાઈ સુધીમાં પ્રસૂતિની સંભાવના ધરાવતી ૩૯ માતાઓ અને ૩૧ ઓગસ્ટ સુધીમાં ૧૨૪ સગર્ભા માતાઓની ઓળખ કરવામાં આવી છે. આ તમામ સગર્ભા માતાઓની ૧૨૪ આરોગ્ય કર્મીઓ દ્વારા તાત્કાલિક રૂબરૂ મુલાકાત લઈને આરોગ્ય વિષયક જરૂરી સંભાળ અને કાળજી લેવામાં આવી રહી છે, જેથી આપત્તિના સમયમાં માતા અને બાળક બંનેની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.
ખાસ અહેવાલ : સંગીતા ચૌધરી
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
