વ્યારામાં ઇનર વ્હીલ ક્લબ દ્વારા “ડોક્ટર ડે” અને “ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે”ની ઉજવણી, સેવાભાવી ડોક્ટરો અને સી.એ.નું સન્માન

0
વ્યારામાં ઇનર વ્હીલ ક્લબ દ્વારા "ડોક્ટર ડે" અને "ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે"ની ઉજવણી, સેવાભાવી ડોક્ટરો અને સી.એ.નું સન્માન
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 1 જુલાઈ: ઇનર વ્હીલ ક્લબ, વ્યારા દ્વારા બુધવાર, તા. 1 જુલાઈ, 2026ના રોજ “ડોક્ટર ડે” અને “ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે” નિમિત્તે એક ભાવસભર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ક્લબના પ્રેસિડેન્ટ પરવીન દોરડી, સેક્રેટરી દિપાલી શાહ અને ક્લબ મેમ્બરોની ઉપસ્થિતિમાં સમાજને નિષ્ઠાપૂર્વક આરોગ્ય સેવા અને વ્યાવસાયિક સેવા આપતા કુલ છ પ્રતિષ્ઠિત ડોક્ટરો તેમજ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ જણાવ્યું હતું કે ડોક્ટરો માનવ જીવનના રક્ષક તરીકે દિવસ-રાત દર્દીઓની સેવા કરે છે, જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દેશના આર્થિક વિકાસ અને પારદર્શક નાણાકીય વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. આવા સેવાભાવી અને નિષ્ઠાવાન વ્યાવસાયિકોનું સન્માન કરવું એ સમાજની નૈતિક જવાબદારી છે.

ઇનર વ્હીલ ક્લબના પ્રમુખ પરવીનબેન દોરડીએ જણાવ્યું હતું કે ક્લબ દ્વારા સમયાંતરે સમાજ ઉપયોગી અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. “ડોક્ટર ડે” અને “ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે”ના અવસરે સમાજ માટે સમર્પિત સેવાઓ આપતા મહાનુભાવોને સન્માનિત કરીને તેમની સેવાપ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ તેમણે તમામ સન્માનિત મહાનુભાવોને ભવિષ્યમાં પણ સમાજહિતના કાર્યોમાં સક્રિય સહભાગી બની માનવસેવાની પરંપરાને વધુ મજબૂત બનાવવાની અભ્યર્થના કરી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત સભ્યોએ સન્માનિત ડોક્ટરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કાર્યની પ્રશંસા કરી હતી અને તેમના દ્વારા સમાજને મળતી અમૂલ્ય સેવાઓને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *