નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી દેવ ચૌધરીના હસ્તે નિમણૂક પત્રો એનાયત

નિષ્ઠા, સેવાભાવ અને સમર્પણથી ફરજ બજાવવા કલેક્ટરશ્રી દેવ ચૌધરીનો તમામ ઉમેદવારોને અનુરોધ
—
તાપી જિલ્લાને કુલ ૮૦ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓની ફાળવણી કરવામાં આવી
—
રાજ્યવ્યાપી નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમના અનુસંધાને તાપીમાં વિશેષ કાર્યક્રમ યોજાયો
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૨. :- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગમાં પસંદગી પામેલા મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાને તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે તાપી જિલ્લામાં નિમણૂક પામેલા તમામ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીએ તમામ ઉમેદવારોને ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને સંબોધતાં કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જણાવ્યું કે, તંત્રમાં મહેસૂલી તલાટીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યાં પણ નિમણૂક થાય ત્યાં સંપૂર્ણ નિષ્ઠા, સેવાભાવ અને જવાબદારીપૂર્વક ફરજ બજાવવી જરૂરી છે.
તેમણે વધુમાં કહ્યુ કે, ફરજ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી કે મૂંઝવણ અનુભવાય તો વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓનો રૂબરૂ સંપર્ક કરીને યોગ્ય માર્ગદર્શન મેળવી શકાય છે. તમામ નવનિયુક્ત કર્મયોગીઓને ટીમ વર્કની ભાવના સાથે કાર્ય કરીને તાપી જિલ્લાના સર્વાંગી વિકાસમાં સક્રિય સહભાગી બનવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ અવસરે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા અને જિલ્લા પોલીસ વડાશ્રી જે. એન. દેસાઈએ પણ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો એનાયત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
નોંધનીય છે કે, ગુજરાત સરકારના વ્યાપક ભરતી અભિયાન અંતર્ગત તાપી જિલ્લાને કુલ ૮૦ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓની ફાળવણી કરવામાં આવી છે. આ ભરતીથી જિલ્લાના મહેસૂલી વહીવટને વધુ વેગ મળશે તેમજ ગ્રામ્ય સ્તરે જનકલ્યાણલક્ષી સેવાઓ વધુ અસરકારક અને સુદ્રઢ બનશે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
______________
