કેવીકે વ્યારા દ્વારા જુન માસમાં “ખેત બચાવો અભિયાન” અંતર્ગત વિવિધ વિસ્તરણ કાર્યક્રમો યોજાયા

0
કેવીકે વ્યારા દ્વારા જુન માસમાં “ખેત બચાવો અભિયાન” અંતર્ગત વિવિધ વિસ્તરણ કાર્યક્રમો યોજાયા
Contact News Publisher

તાપીના ૬૦ થી વધુ ગામોમાંથી ૧૨,૦૦૦ થી વધુ ખેડૂતોએ ભાગ લીધો

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 01.  – ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), વ્યારા (તાપી) દ્વારા તા. ૦૧ જૂન, ૨૦૨૬ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન “ખેત બચાવો અભિયાન” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ અભિયાન નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી. આર. અહલાવત અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એચ. આર. શર્માની પ્રેરણા તેમજ કેવીકે તાપીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. આ માસિક ઝુંબેશમાં તાપી જિલ્લાના ૬૦ થી વધુ ગામોના કુલ ૧૨,૦૦૦ થી વધારે ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

 

“ખેત બચાવો અભિયાન” અંતર્ગત વિવિધ કેન્દ્રીય અને ક્ષેત્રીય તાલીમ કાર્યક્રમો, કિસાન ગોષ્ઠી, ખેડૂત શિબિર, કૃષિ મેળા, કૃષિ પ્રદર્શનો, પદ્ધતિ નિદર્શન અને ગેસ્ટ લેક્ચર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપીના વૈજ્ઞાનિક ડૉ. સી. ડી. પંડ્યા, વૈજ્ઞાનિક – કૃષિ વિસ્તરણ ડૉ. એ. જે. ઢોડિયા, પશુ વિજ્ઞાન વૈજ્ઞાનિક ડૉ. જે. બી. બુટાણી, પાક સંરક્ષણ વૈજ્ઞાનિક ડૉ. એચ. આર. જાદવ, ગૃહવિજ્ઞાન વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોની, બાગાયત વૈજ્ઞાનિક ડૉ. પરમેશ્વરી ચૌધરી અને કુ. પ્રતિભા કોંકણી ફાર્મ મેનેજર દ્વારા ખેડૂતોને વિસ્તૃત અને સમયસર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમો દરમિયાન વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવીને જમીન, પાણી અને પાકનું સંરક્ષણ કરવા, ઉત્પાદન ખર્ચ ઘટાડવા તેમજ ખેડૂતોની આવક અને ઉત્પાદકતામાં વધારો કરવા અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, જમીન પરીક્ષણ (સોઈલ ટેસ્ટિંગ), સંતુલિત ખાતર વ્યવસ્થાપન, કાર્યક્ષમ સિંચાઈ પદ્ધતિઓ, સંકલિત જીવાત અને રોગ નિયંત્રણ, પાક વૈવિધ્યકરણ તેમજ હવામાન આધારિત ખેતી વિશે ખેડૂતોને ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું હતું.

 

ખાસ કરીને સંભવિત ‘એલ નિનો’ ની અસરને ધ્યાનમાં રાખીને, આબોહવા અનુકૂળ ખેતી પદ્ધતિઓ જેવી કે- ઓછા સમયગાળામાં પાકતી અને દુષ્કાળ સામે ટકી શકે તેવી જાતોની પસંદગી, વરસાદી પાણીનો સંગ્રહ (વોટર હાર્વેસ્ટિંગ), જમીનમાં ભેજનું સંરક્ષણ, સુનિયોજિત પાક આયોજન, હવામાનની આગાહી મુજબ કૃષિ કાર્યોની ગોઠવણ અને જરૂરિયાત મુજબ જ સિંચાઈ આપવા જેવી બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. અંતમાં, ખેડૂતોને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરી સમયસર કૃષિ સલાહ મેળવવા અને ટકાઉ, ક્લાયમેટ-સ્માર્ટ (આબોહવા-સ્માર્ટ) તથા નફાકારક ખેતી પદ્ધતિઓ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *