ડાંગ જિલ્લો સમગ્ર દેશમાં ટ્વિન-પિટ શૌચાલયમાં દેશમાં મોડેલ બન્યો 

0
ડાંગ જિલ્લો સમગ્ર દેશમાં ટ્વિન-પિટ શૌચાલયમાં દેશમાં મોડેલ બન્યો 
Contact News Publisher

ગ્રામ્ય સ્વચ્છતા અને ફિકલ સ્લજ મેનેજમેન્ટમાં સંપુર્ણ આદિવાસી વસ્તી ધરાવતો ડાંગ જિલ્લો દેશને નવો રાહ ચિંધે છે

 

ડાંગ જિલ્લામાં 95 ટકા પરિવારોએ ટ્વિન-પિટ શૌચાલય અપનાવ્યાં 

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં ખુલ્લામાં શૌચમુક્તિનાં ધ્યેયનો હાંસલ કરવા તેમજ ગામડાઓમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનમાં સુધારો લાવવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની શરૂઆત કરી હતી. 

 

(રાહુલ પરમાર દ્વારા, વધઈ) : તા. ૨૧. ગુજરાતનાં ડાંગ જિલ્લાના આદિવાસીઓ કદાચ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ટ્વિન-પિટ (Twin-pit) શૌચાલયોને લોકપ્રિય બનાવનાર અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરની જાહેર ખબર જોઇ નહીં હોય, પણ તેમણે આ ટેક્નોલોજીને એટલી અસરકારક રીતે અપનાવી છે કે, આજે ડાંગ જિલ્લો ગ્રામ્ય સ્વચ્છતાના ક્ષેત્રે દેશ માટે એક મોડેલ બન્યો છે.

 

ગાઢ જંગલો, હરિયાળા પહાડો અને ચોમાસાનાં આહલાદ્ક દૃશ્યો માટે જાણીતો ડાંગ જિલ્લો આજે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ફિકલ સ્લજ મેનેજમેન્ટના મહત્વપૂર્ણ ઘટક એવા ટ્વિન-પિટ શૌચાલયોના વ્યાપક સ્વીકાર માટે પણ ઓળખ મેળવી રહ્યો છે.

 

ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના કોઓર્ડિનેટર વિપુલ પરદેશીએ જણાવ્યું કે, “ડાંગ જિલ્લામાં ત્રણ તાલુકાઓ અને 310 ગામો છે. ડાંગ જિલ્લામાં અંદાજે 2.96 લાખની વસ્તી છે. જિલ્લામાં કુલ 58,966 પરિવારોમાંથી 51,613 પરિવારો ટ્વિન-પિટ શૌચાલય અપનાવી ચૂક્યા છે, જે જિલ્લાના કુલ શૌચાલયોનાં લગભગ 95 ટકા જેટલા છે. ફિકલ સ્લજ મેનેજમેન્ટ ક્ષેત્રે આ નોંધપાત્ર સિદ્ધિ છે. આ બધુ લોકભાગીદારીથી શક્ય બન્યું છે. સરકાર દરેક પરિવારે ટ્વિન-પિટ શૌચાલય બનાવવા માટે રૂ. 12,000ની સહાય આપે છે.”

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં ખુલ્લામાં શૌચમુક્તિનો ધ્યેય હાંસલ કરવા તેમજ ગામડાઓમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનમાં સુધારો લાવવા માટે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ની શરૂઆત કરી હતી. તેમના નેતૃત્વ હેઠળ આ પહેલ સ્વચ્છતા, મહિલાઓની સુરક્ષા અને સર્વાંગી ગ્રામિણ આરોગ્ય પર કેન્દ્રિત એક વ્યાપક જનજાગૃતિ અને વર્તન પરિવર્તનના અભિયાનમાં વિકસિત થઈ છે.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારના દરેક પરિવારોને શૌચાલય મળે તેની વ્યવસ્થા કરી છે અને સ્વચ્છતામાં દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.

 

ડાંગ જિલ્લાની આ સફળતાએ રાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન આકર્ષિત કર્યું છે. 

 

જાન્યુઆરી, 2026માં કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત અમલમાં મુકાયેલા વિવિધ ફિકલ સ્લજ મેનેજમેન્ટ મોડેલોની સમીક્ષા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના જિલ્લાઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ યોજ્યો હતો. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે કરી હતી.

આ બેઠક દરમિયાન વિવિધ રાજ્યોએ નવીન અને વ્યાપક સ્તરે અમલમાં મૂકી શકાય એવા સ્વચ્છતા મોડેલો રજૂ કર્યા હતા. દૂરના આદિવાસી વિસ્તારોમાં ટ્વિન-પિટ શૌચાલયોના મોટા પાયે અપનાવા માટે ગુજરાતના ડાંગ જિલ્લાને વિશેષ ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.

 

શ્રી સી.આર. પાટીલે ભાગ લેનારા રાજ્યોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, આવા સ્વચ્છતા મોડેલો માત્ર સ્વચ્છ ભારતના વિઝનને સાકાર કરવામાં જ મદદરૂપ નથી બનતા, પરંતુ ટકાઉ કચરા વ્યવસ્થાપન દ્વારા રોજગારીની તકો પણ ઊભી કરે છે,’’.

 

ટ્વિન-પિટ શૌચાલય માનવ મળને સુરક્ષિત રીતે વિઘટિત કરીને પોષક તત્વોથી ભરપૂર સજીવ ખાતરમાં પરિવર્તિત કરે છે. ગ્રામ્ય સ્વચ્છતા માળખાને મજબૂત બનાવવાની સાથે આ ટેક્નોલોજી ભૂગર્ભ જળ પ્રદૂષણ અને અસુરક્ષિત કચરા નિકાલના જોખમને ઘટાડીને જાહેર આરોગ્ય અને પર્યાવરણનું પણ રક્ષણ કરે છે.

 

ટ્વિન-પિટ શૌચાલય કેવી રીતે કામ કરે છે?

 

ટ્વિન-પિટ શૌચાલય સામાન્ય શૌચાલયની જેમ જ કાર્ય કરે છે, પરંતુ તેની વિશેષતા એ છે કે, તે માનવ મળને સુરક્ષિત સજીવ ખાતરમાં પરિવર્તિત કરે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા પણ આ ટેક્નોલોજીને અસરકારક અને ટકાઉ સ્વચ્છતા ઉકેલ તરીકે માન્યતા આપવામાં આવી છે.

 

ગટર વ્યવસ્થા અને સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે જોડાયેલા પરંપરાગત શૌચાલયોની સરખામણીમાં ટ્વિન-પિટ શૌચાલય ઘરના સ્તરે જ કચરાનું વ્યવસ્થાપન કરે છે. માનવ મળ પ્રથમ ખાડામાં જાય છે, જ્યાં તેનું કુદરતી રીતે વિઘટન થાય છે. પ્રથમ ખાડો ભરાઈ જાય પછી પ્રવાહ બીજા ખાડામાં ફેરવવામાં આવે છે. ત્યાં સુધીમાં પ્રથમ ખાડામાં રહેલો કચરો સંપૂર્ણપણે વિઘટિત થઈ સુરક્ષિત અને પોષક તત્વોથી ભરપૂર ખાતરમાં પરિવર્તિત થઈ જાય છે, જેને સરળતાથી બહાર કાઢી ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

 

આ પ્રકારનાં શૌચાયલો મોંઘી ગટર વ્યવસ્થાની જરૂરિયાતને દૂર કરે છે અને જમીન તથા જળ સ્ત્રોતોને પ્રદૂષિત કર્યા વિના કચરાનું સુરક્ષિત વ્યવસ્થાપન કરે છે.

 

સસ્તી અને ટકાઉ ટેક્નોલોજી

 

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ વ્યક્તિગત ઘરેલુ શૌચાલયોનાં નિર્માણ માટે સરકાર રૂ. 12,000ની સહાય આપે છે અને સ્થળ પર જ કચરાના સંચાલન માટે ટ્વિન-પિટ ટેક્નોલોજીને સક્રિય રીતે પ્રોત્સાહિત કરે છે.

 

ટ્વિન-પિટ શૌચાલય ખર્ચની દ્રષ્ટિએ સસ્તા છે અને પરંપરાગત ફ્લશ શૌચાલયોની સરખામણીમાં ઓછા પાણીની જરૂર પડે છે. તેથી તે ગ્રામ્ય વિસ્તારો માટે અત્યંત અનુકૂળ પડે છે.

 

આ પ્રણાલીમાં સામાન્ય રીતે લગભગ ત્રણ ફૂટ ઊંડાઈ ધરાવતા બે ગોળાકાર ખાડાઓ બાજુબાજુમાં બનાવવામાં આવે છે. ખાડાની દિવાલો મધપૂડાના આકારની (હનીકોમ્બ પેટર્ન) બનાવવામાં આવે છે જેથી પ્રવાહી આસપાસની જમીનમાં સરળતાથી શોષાઈ શકે, જ્યારે તળિયે કોઈ લાઇનિંગ કરવામાં આવતું નથી. સામાન્ય રીતે સિમેન્ટ મોર્ટાર સાથેની ઈંટોનો ઉપયોગ થાય છે, પરંતુ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ પથ્થર, લાકડાના થાંભલા, કોંક્રિટ રિંગ, પકવેલી માટી અથવા પુનઃઉપયોગી ડ્રમ્સનો પણ ઉપયોગ થઈ શકે છે.

***

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *