તાપી જિલ્લામાં યોજાનારા વિવિધ જનલક્ષી કાર્યક્રમોની શ્રૃંખલાનો આશય લોકકેન્દ્રિત : મંત્રીશ્રી નરેશભાઈ પટેલ

0
તાપી જિલ્લામાં યોજાનારા વિવિધ જનલક્ષી કાર્યક્રમોની શ્રૃંખલાનો આશય લોકકેન્દ્રિત : મંત્રીશ્રી નરેશભાઈ પટેલ
Contact News Publisher

પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તાપીમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષની ઉજવણીની સમીક્ષા બેઠક યોજાઈ

તાપી જિલ્લામાં ૧૧મી જૂને ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અને ‘પ્રગતિ પથ યાત્રા’ યોજાશે

જિલ્લામાં સ્વચ્છતા સપ્તાહ, જન કલ્યાણ શિબિર, પ્રાકૃતિક ખેતી અને વિશ્વ યોગ દિવસની ઉજવણીનું ભવ્ય આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૦૬. – વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થયાના ઐતિહાસિક અવસરની ઉજવણીના ભાગરૂપે, તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષતામાં તેમજ રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં શનિવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લામાં યોજાનાર વિવિધ લોકકેન્દ્રિત અને પ્રગતિશીલ કાર્યક્રમોના સફળ આયોજન અંગે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલે “૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના” થીમ હેઠળ યોજાનારા વિવિધ કાર્યક્રમોની શ્રૃંખલા અંગે વહીવટી તંત્રના અધિકારીઓને રચનાત્મક સૂચનો કર્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, આ આયોજન માત્ર એક ઝુંબેશ નથી, પરંતુ નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ આપવાની સાથે-સાથે પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા અને પર્યાવરણ જતન જેવા લોકકલ્યાણના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો આશય છે.

આ આયોજન અંતર્ગત આગામી તા. ૧૧-૦૬-૨૦૨૬ ના રોજ જિલ્લા સેવાસદનના ઓડિટોરિયમ હોલ ખાતે જિલ્લા કક્ષાના ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ (પ્રબુદ્ધ નાગરિક સંમેલન) નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ સાથે જ તાપી જિલ્લામાં આ જ દિવસે ‘પ્રગતિ પથ યાત્રા’ નું પણ પ્રસ્થાન થશે, જે જિલ્લાના વિકાસના સાક્ષી બનેલા કુલ ૧૦ પ્રગતિશીલ સ્થળોની મુલાકાત લઈ નાગરિકો સુધી સરકારના વિકાસ કાર્યોની ગાથા પહોંચાડશે.

આ ઉપરાંત, છેવાડાના માનવી સુધી વહીવટી સેવાઓ પહોંચાડવાના હેતુથી જિલ્લાના કુલ ૨૮ નિર્ધારિત સ્થળોએ ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવશે. આ શિબિરોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભો તેમજ સેવાઓ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સ્થળ પર જ પૂરી પાડવામાં આવશે.

નોંધનીય છે કે, આગામી તા. ૦૮ થી ૧૪ જૂન, ૨૦૨૬ દરમિયાન વન વિભાગ દ્વારા ‘એક પેડ મા કે નામ’ (એક પેડ માં કે નામ) થીમ હેઠળ વ્યાપક વૃક્ષારોપણ કાર્યક્રમ અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન ‘સ્વચ્છતા અભિયાન’ ચલાવવામાં આવશે. આ સાથે જ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે ખેડૂતો માટે ‘પ્રાકૃતિક ખેતી કાર્યશાળા’ તેમજ આગામી ૨૧મી જૂને ‘વિશ્વ યોગ દિવસ’ની તાપી જિલ્લા કક્ષાએ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવશે.

આ તમામ કાર્યક્રમોના સફળ અને લોકાભિમુખ અમલીકરણ માટે પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે વિવિધ વિભાગના અધિકારીઓને સમયબદ્ધ આયોજન અને પરસ્પર સંકલન સાથે કામ કરવા પ્રેરક માર્ગદર્શન તેમજ રચનાત્મક સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, ઇન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other