ઉકાઈના બોરદા ગામે વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની અનોખી ઉજવણી

નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તાના હસ્તે વિદ્યાર્થીઓને પુસ્તકો અને રોપાની ભેટ
—
બોરદા ગામની સાર્વજનિક લાઈબ્રેરીના સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને R.O. સિસ્ટમ, ખુરશી-ટેબલ અને કેસર આંબાની કલમ અર્પણ કરાઈ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૬ : તાપી જિલ્લાના વ્યારા વન વિભાગ હેઠળની વાજપુર રેન્જના બોરદા રાઉન્ડ કાર્યવિસ્તારમાં આવેલા ઉકાઈ તાલુકાના બોરદા ગામે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વ્યારાના નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તાની ખાસ ઉપસ્થિતિ અને બોરદા ગામના સરપંચશ્રી ગંગાબેન વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
કાર્યક્રમ દરમિયાન નાયબ વન સંરક્ષક શ્રી સચિન ગુપ્તા અને અન્ય વન અધિકારીઓએ ગામમાં નવનિર્મિત સાર્વજનિક લાઈબ્રેરીની મુલાકાત લીધી હતી. ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે તેમણે સીધો સંવાદ કર્યો હતો. શ્રી સચિન ગુપ્તા અને મદદનીશ વન સંરક્ષકોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટેનું મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને સરપંચશ્રી દ્વારા આદરેલા આ શૈક્ષણિક અભિગમને વન વિભાગ વતી ખૂબ બિરદાવ્યો હતો.
નોંધનીય છે કે, આવા દિને અહીંની લાઈબ્રેરી માટે દાતાશ્રીઓ તથા ટીએસપી ગ્રાન્ટમાંથી વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના ઉપયોગી પુસ્તકો, શુદ્ધ પીવાના પાણી માટે R.O. સિસ્ટમની સુવિધા તેમજ અભ્યાસ અર્થે ખુરશી અને ટેબલની ભેટ આપવામાં આવી હતી.

દરેક વિદ્યાર્થીને પ્રકૃતિના જતનના પ્રતીક રૂપે કેસર આંબાની કલમ (રોપા) અર્પણ કરાઈ હતી.
પર્યાવરણની જાળવણીના સંકલ્પ સાથે બોરદા ગામના પવિત્ર પંચદેવ મંદિરના પટાંગણમાં ઉપસ્થિત તમામ અધિકારીઓ અને ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બોરદા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી રમેશભાઈ વસાવાએ વિશ્વ પર્યાવરણ દિવસના મહત્વ અને પ્રકૃતિના રક્ષણ અંગે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું.
આ ભવ્ય કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદારશ્રી, બોરદા ગામના સરપંચશ્રી અને નાયબ વન સંરક્ષકશ્રી ઉપરાંત મદદનીશ વન સંરક્ષક સર્વશ્રી અર્પિત પુન્યા અને શ્રી ઉપમા જૈન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વાજપુર રેન્જના આર.એફ.ઓ. (RFO) શ્રી ભાવિન વસાવા તથા સ્ટ્રાઇકિંગ ફોર્સ વ્યારાના આર.એફ.ઓ. શ્રી અનિલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વાજપુર રેન્જના તમામ સ્ટાફ અને બોરદા ગામના અગ્રણીઓએ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. સમગ્ર સભાનું સફળ અને સચોટ સંચાલન બોરદા ગામના માજી સરપંચશ્રી ગેમેન્દ્રભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વન વિભાગના કર્મચારીઓ અને બોરદા ગામના તમામ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
૦૦૦
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
