તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

0
તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ
Contact News Publisher

વિવિધ વિભાગોના સુચારૂ સંકલન દ્વારા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કુદરતી આપદા સમયે સતર્ક રહેવા મંત્રીશ્રીઓની સૂચના

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૬ : તાપી જિલ્લાના પ્રભારી અને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષતામાં તેમજ રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં, શુક્રવારે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે, આગામી ચોમાસાની ઋતુ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર તથા આપત્તિ વ્યવસ્થાપન તંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ હતી.

 

બેઠક દરમિયાન પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે વિવિધ લાઇન ડિપાર્ટમેન્ટની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. જેમાં તેમણે વર્ષાઋતુને કેન્દ્રમાં રાખીને તમામ વિભાગોના સુચારૂ સંકલન દ્વારા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કુદરતી આપદાના સમયે પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં રાખી શકાય તેવા પ્રકારનું આયોજન કરવા તમામ અધિકારીઓને સુચના આપી હતી.

 

મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સહિત રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે પણ ખાસ કરીને શાળાના બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અને ચોમાસા દરમિયાન શાળાઓમાં કોઈ અગવડ ન પડે તેવું આયોજન કરવા, વાવાઝોડા કે ભારે વરસાદમાં વીજ પુરવઠો ખોરવાય નહીં અને જો ખોરવાય તો ત્વરિત પુનઃસ્થાપિત થાય તે માટે સજ્જ રહેવા તેમજ ચોમાસા દરમિયાન ફેલાતા રોગચાળાને નિયંત્રણમાં રાખવા દવાઓનો જરૂરી જથ્થો ઉપલબ્ધ રાખવો અને તબીબી ટીમોને એલર્ટ રાખવા રચનાત્મક સુચનો કર્યા હતા.

 

ચોમાસામાં સંચાર વ્યવસ્થા અને માહિતીના ઝડપી આદાન-પ્રદાનને પ્રાથમિકતા આપતા જિલ્લા તથા તાલુકા કક્ષાના કંટ્રોલરૂમ ૨૪x૭ કાર્યરત કરવાના નિર્દેશ આપવા સહિત માહિતીની ચોકસાઈ માટે દર બે કલાકે વરસાદના આંકડા ડિઝાસ્ટર શાખાને નિયમિત મોકલવા અને તાલુકા વાઈઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનને આખરી ઓપ આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

 

નોંધનીય છે કે, વરસાદી પાણીના ભરાવા અને તેનાથી ઉભા થતા સંભવિત જોખમોને નિવારવા માટે નીચાણવાળા વિસ્તારો, પુરગ્રસ્ત ગામો તથા તરવૈયાઓની યાદી અધતન કરવામાં આવી છે. કોઈપણ કટોકટીના સમયે ત્વરિત સંપર્ક કરી શકાય તે હેતુથી, આ સ્થળો સાથે સંબંધિત ગામના તલાટી અને સરપંચના મોબાઈલ નંબર સહિતનો સંપૂર્ણ ડેટા તૈયાર રાખવા સૂચના અપાઈ છે.

 

આપત્તિ વ્યવસ્થાપનની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જિલ્લાના તરવૈયાઓ અને આપદામિત્રોની યાદી અધતન રાખવા તેમજ લાઈફ બોયા, જેકેટ અને જનરેટર જેવા બચાવ સાધનોની કાર્યક્ષમતાનું ભૌતિક વેરિફિકેશન કરવા અંગે પણ બેઠકમાં વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

 

ચોમાસા પૂર્વેના સુરક્ષાત્મક પગલાંના ભાગરૂપે ગટર અને નદી-નાળાની સફાઈ તથા જોખમી વૃક્ષોનું કટીંગ કરવાની કામગીરી, માર્ગો પરના જોખમી સ્થળોએ રેડિયમ સિગ્નલ (રિફ્લેક્ટર્સ) મૂકવા તેમજ સંભવિત જોખમ ઉભું કરી શકે તેવી ભયજનક ઈમારતો અને હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.

 

આ બેઠકમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના ડીપીઓશ્રી કે.કે.ગામીતે પ્રેઝન્ટેશનના માધ્યમથી વિવિધ વિભાગોએ પ્રિ-મોનસુન અંગે કરાયેલી કામગીરીનો ચિતાર રજુ કર્યો હતો.

 

આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર. બોરડ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી આનંદકુમાર, વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other