પેલાડ બુહારીના પટેલ પરિવારને સરકાર તરફથી રૂ. ૧.૭૦ લાખનો આર્થિક ટેકો
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાથી ખેડૂત પરિવારનું પાકા ઘરનું સપનું થયું સાકાર
—
સરકારની આવાસ સહાયથી વર્ષો જૂનું પાકા ઘરનું સપનું સાકાર થતાં પટેલ પરિવારમાં ખુશીની લાગણી
—
SEBC, EWS અને વિમુક્ત જાતિના જરૂરિયાતમંદ પરિવારોને આવાસ યોજનાનો લાભ લેવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીનો અનુરોધ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૭ :- સ્વાભાવિક છે કે દરેક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવાર તથા તે પરિવારનો કર્તાધર્તા ઇચ્છે છે કે તે પોતાના પરિવારને સુરક્ષિત છત આપી શકે… પરંતુ ક્યારેક આર્થિક પરિસ્થિતિના કારણે આ સપનાઓ અધૂરા રહી જાય છે.
તાપી જિલ્લાના વાલોડ તાલુકોના પેલાડ બુહારી ગામમાં વર્ષોથી વસવાટ કરતા શ્રી જયેશભાઈ રણછોડભાઈ પટેલના પરિવાર માટે પણ સ્થિતિ કંઈક આવી જ હતી. ખેતીકામ કરીને ગુજરાન ચલાવતા આ પરિવાર માટે પાકું મકાન બનાવવું એક મોટો પડકાર હતો, પરંતુ ગુજરાત સરકારની પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના તેમના માટે આર્થિક ટેકો લઈને આવી…
પિતાના સંઘર્ષ અને પરિવારના સપના વિશે વાત કરતા જયેશભાઈના સુપુત્ર ડેનિશભાઈ પટેલે અત્યંત ભાવુક હૃદયે જણાવ્યું કે, મારા પિતા ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. મેં તેમને બાળપણથી જ સખત મહેનત કરતા જોયા છે. અમારું સપનું હતું કે અમારું પોતાનું એક મજબૂત અને પાકું મકાન હોય, પરંતુ ખેતીની મર્યાદિત આવક અને ઘર બાંધવાના નાણાકીય બોજ સામે અમારી હિંમત ચાલતી નહોતી.
ડેનિશભાઈએ વધુમાં ઉમેર્યું કે, જ્યારે અમને આ યોજના વિશે જાણવા મળ્યું અને અધિકારીઓ સાથે વાત કરી, ત્યારે જાણે અમારા સપનાને નવી પાંખો મળી. આ યોજના હેઠળ અમને પ્રથમ હપ્તા પેટે રૂ. ૩૦ હજાર, ત્યારબાદ બીજા હપ્તામાં રૂ. ૮૦ હજાર, ત્રીજા હપ્તામાં રૂ. ૫૦ હજાર અને મકાન સંપૂર્ણ તૈયાર થયા બાદ અંતિમ રૂ. ૧૦ હજાર એમ કુલ મળીને રૂ. ૧.૭૦ લાખની માતબર સહાય મળી છે. સરકારના આ આર્થિક ટેકાના કારણે જ આજે અમારું વર્ષો જૂનું પાકા ઘરનું સપનું હકીકત બની શક્યું છે, જે બદલ અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ…
નોંધનીય છે કે, ડેનિશભાઈના પિતાશ્રીને આ યોજના હેઠળ રૂ. ૧.૭૦ લાખની સહાય મળતા તેમણે પણ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી.

આ તકે તાપી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસિત જાતિ) શ્રી જીતેન્દ્રભાઈ ચૌહાણે જણાવ્યું કે, છ લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, વિચરતી-વિમુક્ત જાતિઓ તથા આર્થિક રીતે પછાત વર્ગ માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અમલમાં છે. ઘણા લોકોને વિવિધ અવરોધોના કારણે પોતાના પાકા મકાનનું સપનું સાકાર કરવામાં મુશ્કેલી પડે છે. ત્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ કુલ રૂ. ૧.૭૦ લાખની સહાય ચુકવવામાં આવે છે.
આ યોજના હેઠળ મકાન બાંધવાની નાણાકીય સહાય ચાર હપ્તામાં ચુકવવામાં આવે છે. અરજી મંજૂર થયા બાદ પ્રથમ હપ્તા તરીકે રૂ. ૩૦ હજારની સહાય આપવામાં આવે છે. તે બાદ પ્લિન્થ લેવલ સુધીનું બાંધકામ પૂર્ણ થતાં રૂ. ૮૦ હજારની સહાય ચુકવવામાં આવે છે. ત્યારબાદ મકાનનું રૂફ કાસ્ટિંગ સુધીનું બાંધકામ પૂર્ણ થતા ત્રીજા હપ્તા પેટે રૂ. ૫૦ હજારની સહાય આપવામાં આવે છે. અંતે મકાન સંપૂર્ણ તૈયાર થતાં રૂ. ૧૦ હજારની અંતિમ સહાય ચુકવવામાં આવે છે. આમ કુલ રૂ. ૧.૭૦ લાખનો આર્થિક ટેકો જરૂરિયાતમંદ પરિવારોને તેમના પાકા મકાનના સપનાને સાકાર કરવા માટે ફાળવવામાં આવે છે.
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
_________________
👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻
https://t.me/gujaratraksha
