ઉકાઈની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ NMMS પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના ઉકાઈ સ્થિત પાથરડા કોલોની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય સ્તરની એન.એમ.એમ.એસ. (NMMS) પરીક્ષામાં નોંધપાત્ર સફળતા મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે દર વર્ષે ધોરણ-8માં લેવામાં આવતી આ પ્રતિષ્ઠિત સ્પર્ધાત્મક પરીક્ષામાં આ વર્ષે શાળાના વિદ્યાર્થી ધ્યેયકુમાર નિલેશભાઈ ચૌધરીએ ઉત્તમ પ્રદર્શન કરીને સૌનું ધ્યાન આકર્ષ્યું છે.
ધ્યેયકુમારે કુલ 134 ગુણ મેળવી સમગ્ર તાપી જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની આ શાનદાર સિદ્ધિથી શાળા પરિવાર, વાલીઓ તેમજ સમગ્ર ઉકાઈ વિસ્તારમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. વિદ્યાર્થીએ સતત મહેનત, લગન, શિસ્તબદ્ધ તૈયારી અને નિયમિત અભ્યાસના બળ પર આ સફળતા પ્રાપ્ત કરી છે.
વિદ્યાર્થીની આ ઉપલબ્ધિ બદલ શાળાના આચાર્યશ્રીએ હર્ષ વ્યક્ત કરીને ધ્યેયકુમારને અભિનંદન પાઠવ્યા હતા તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. સાથે જ શાળાના શિક્ષકમંડળે પણ વિદ્યાર્થીની મહેનત અને પ્રતિભાને બિરદાવી અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ ગણાવ્યો હતો.
ધ્યેયકુમારની આ ભવ્ય સફળતા પાથરડા કોલોની પ્રાથમિક શાળા માટે ગૌરવની બાબત બની છે. આ સિદ્ધિથી સમગ્ર શાળામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને અન્ય વિદ્યાર્થીઓમાં પણ અભ્યાસ પ્રત્યે નવી પ્રેરણા જાગી છે. ઉકાઈ વિસ્તાર માટે પણ આ ગૌરવની ક્ષણ બની છે, કારણ કે ગ્રામ્ય વિસ્તારમાંથી વિદ્યાર્થીએ જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન મેળવી પ્રતિભા અને પરિશ્રમનો ઉત્તમ દાખલો પૂરું પાડ્યો છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
