ગુજરાતમાં પ્રથમ વખત યોજાયેલા રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય સંમેલનમાં દેશભરના સાહિત્યકારો, લેખકો અને કલાકારો એક મંચ પર એકત્રિત થયા
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૪. અખિલ ભારતીય આદિવાસી સાહિત્ય પરિષદ દ્વારા ગુજરાતમાં પ્રથમ વખત તા. ૨૧ અને ૨૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ તાપી જિલ્લાના ગાંધી વિદ્યાપીઠ, વેડછી ખાતે યોજાયેલા બે દિવસીય ‘રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય સંમેલન ૨૦૨૬’માં ‘સર્જનાત્મક સાહિત્ય અને સંસ્કૃતિ’ તથા ‘સાહિત્યિક આલોચના અને સામાજિક પ્રશ્નો’ વિષય પર વિમર્શ કરવા દેશભરમાંથી આદિવાસી સાહિત્યકારો, લેખકો, કવિઓ, સંશોધકો, શિક્ષણવિદો અને કલાકારો સહભાગી થયા હતા.
આદિવાસી ભાષાઓ, સાહિત્ય, મૌખિક પરંપરા, લોકજ્ઞાન, સાંસ્કૃતિક વારસા અને સામાજિક પ્રશ્નો અંગે રાષ્ટ્રીય સ્તરે સંવાદ માટે સહિયારું મંચ ઊભું કરવાના હેતુથી યોજાયેલા આ સંમેલનનું પ્રથમ વખત યજમાન બનવાનું ગૌરવ ગુજરાતને પ્રાપ્ત થયું હતું.

પ્રથમ દિવસે પરંપરાગત પ્રકૃતિપૂજન સાથે ઉદ્ઘાટન સત્રની શરૂઆત થઈ હતી, જેમાં ગાંધી વિદ્યાપીઠના પ્રમુખ શ્રી અમરસિંહ ચૌધરીએ શાબ્દિક સ્વાગત અને ડૉ. જિતેન્દ્ર વસાવાએ સંમેલનની ભૂમિકા રજૂ કરી હતી. આ અવસરે શ્રી વાહેરુ સોનવણે અને ડૉ. ગંગાસહાય મીણા (જેએનયુ, દિલ્હી) દ્વારા બીજવક્તવ્ય અપાયું હતું તેમજ પુસ્તક વિમોચન પણ કરાયું હતું.
બે દિવસ દરમિયાન વિવિધ વિષયો પર ચર્ચાસત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ‘ભારતીય આદિવાસી સાહિત્ય યાત્રા અને આદિવાસી જીવનદૃષ્ટિ’, ‘આદિવાસી મહિલા સ્વર: અનુભવ, સંઘર્ષ અને સર્જન’, ‘મૌખિક પરંપરા, પુરખા જ્ઞાન અને આદિવાસી માતૃભાષાઓ’, ‘આદિવાસી મીડિયા અને યુવા સ્વર: અનુભવ, સંઘર્ષ અને સર્જન’ તેમજ ‘આદિવાસી સાહિત્યની આલોચના અને પ્રતિક્રિયાઓ’ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા થઈ હતી.
આદિવાસી સમાજની મૌખિક પરંપરા, લોકગીતો, લોકકથાઓ, માતૃભાષાઓ અને પરંપરાગત જ્ઞાનને સાહિત્યના મુખ્ય પ્રવાહમાં સ્થાન મળે તે અંગે સર્જકોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ખાસ કરીને આદિવાસી મહિલા સર્જકોના અનુભવો, સામાજિક સંઘર્ષ અને સાહિત્યિક અભિવ્યક્તિને સ્થાન આપતું સત્ર નોંધપાત્ર રહ્યું હતું. કવિતા, વાર્તા અને આલેખપાઠ દ્વારા વિવિધ રાજ્યોના સર્જકોએ પોતાની ભાષા અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
‘આદિવાસી મીડિયા અને યુવા સ્વર: અનુભવ, સંઘર્ષ અને સર્જન’ સત્રમાં આદિવાસી યુવાનોના મીડિયા ક્ષેત્રના અનુભવો, મુખ્ય પ્રવાહના માધ્યમોમાં આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ, પોતાની ભાષા-સંસ્કૃતિના પ્રશ્નો અને સ્વતંત્ર અભિવ્યક્તિના પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આદિવાસી યુવાનો પોતાની વાત, પોતાના દૃષ્ટિકોણ અને પોતાના જ્ઞાન સાથે મીડિયા તથા સાહિત્યના ક્ષેત્રમાં કેવી રીતે આગળ આવે તે અંગે પણ વિચારવિમર્શ થયો હતો.
સંમેલનના બીજા દિવસે મૌખિક પરંપરા, ભાષા અને સાહિત્ય ઉપરાંત સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો અંગે પણ ચર્ચા થઈ હતી. અંતિમ સત્રમાં ‘વેડછી ઘોષણાપત્ર–2026’ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી ભાષાઓ, સાહિત્ય, સંશોધન, પ્રકાશન અને સાંસ્કૃતિક વારસાના સંવર્ધન માટે ભવિષ્યમાં સહિયારા પ્રયાસો કરવાની દિશામાં સંમેલન મહત્ત્વપૂર્ણ બન્યું હતું અને આગામી સાહિત્ય સંમેલન મહારાષ્ટ્ર ખાતે યોજાનાર છે તેની ઘોષણા આ સંમેલનના સમર્પણ સત્રમાં કરવામાં આવી હતી.
આ સંમેલનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ, કર્ણાટક સહિત વિવિધ રાજ્યોમાંથી અનેક જાણીતા સાહિત્યકારો, સંશોધકો અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડૉ. ગંગાસહાય મીણા (જેએનયુ, દિલ્હી), ગુજન મુન્ડા (ઝારખંડ), કુમુદા (કર્ણાટક), વાહેરુ સોનવણે, પ્રભુ રાજગઢકર, ઉષા કિરણ આત્રામ, ડૉ. સખારામ ડાખોર, શંકર બલી, શીતલ ડેગે, ડૉ. પ્રતિભા દેશમુખ, ભીમસિંહ વલવી, નરેન્દ્ર પાડવી, જેલસિંગ પાવરા, ગોસ પેન્ટર (મહારાષ્ટ્ર), હિમ્મતસિંહ અરમો, પ્રો. રાખી ઉઇકે, રમા ટેકમ, મંગલા ગરવાલ, પ્રો. રમેશ ચૌહાણ, પ્રો. રવિ કિરાડે, પ્રો. કંચન કનોજે, વિક્રમ ચૌધરી, ડૉ. કનુ વસાવા, ડૉ. આનંદ વસાવા, ડૉ. સુરેશ ચૌધરી, પ્રા. અર્જુન રાઠવા અને સેજલ રાઠવા સહિત અનેક સર્જકો અને સાહિત્યપ્રેમીઓએ ભાગ લીધો હતો.
સંમેલનના સફળ આયોજનમાં આયોજક સમિતિના સભ્યો ડૉ. જિતેન્દ્ર વસાવા, ઠાકુરભાઈ ચૌધરી, અમરસિંહ ચૌધરી, દમયંતીબહેન ચૌધરી, મુકેશભાઈ ચૌધરી, જગદીશભાઈ ચૌધરી, મહેશભાઈ વસાવા, અલ્કેશભાઈ ચૌધરી, ડૉ. નિતિન ચૌધરી, અમિત ચૌધરી અને અંજના બહેને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
નોંધનીય છે કે, આ સાહિત્ય સંમેલનના ઉપક્રમે અખિલ ભારતીય આદિવાસી સાહિત્ય પરિષદ દ્વારા સ્વ. ડૉ. રામદયાલ મુંડાને આદિવાસી સાહિત્ય પુરસ્કાર ૨૦૨૬ મરણોત્તર એનાયત કરવામાં આવ્યો હતો.
આમ, બે દિવસીય આ સંમેલન માત્ર સાહિત્યિક કાર્યક્રમ પૂરતું સીમિત ન રહેતાં આદિવાસી સમાજની ભાષાકીય ઓળખ, સાંસ્કૃતિક અસ્મિતા, પરંપરાગત જ્ઞાન અને સામાજિક અધિકારોને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બન્યું હતું. દેશના વિવિધ વિસ્તારોના આદિવાસી સર્જકોને એક મંચ પર લાવી પરસ્પર સંવાદ, સહકાર અને સાહિત્યિક આદાનપ્રદાનની નવી દિશા ઊભી કરવાનો પ્રયાસ આ સંમેલન દ્વારા કરવામાં આવ્યો હતો.
○○○
