તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની પૂર્વ તૈયારીઓ વેગવાન બની
નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ વ્યારા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026 ને અનુલક્ષીને ચૂંટણી પૂર્વ તૈયારીઓ વેગવાન બની છે. આ સંદર્ભે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાને સુચારૂ, પારદર્શક અને સુલેહભર્યા વાતાવરણમાં પૂર્ણ કરવા સહિતના વિવિધ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે બસ તથા અન્ય વાહનોની ફાળવણી, પોલિંગ સ્ટાફની નિમણૂક, પોસ્ટલ બેલેટની વ્યવસ્થા, સામગ્રીના રીસિવિંગ-ડિસ્પેચિંગ સહિતની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત મતદાન મથકો પર મતદારોને સુવિધા મળે તે હેતુસર વ્હીલચેર, આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની વ્યવસ્થા, મૂળભૂત સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને દિવ્યાંગ, વરિષ્ઠ નાગરિક અને મહિલાઓ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવા ભાર મુકાયો હતો.
વધુમાં શ્રી બોરડે, ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ સાથે ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલા તમામ કર્મચારીઓ વચ્ચે સંકલન સાધીને આયોજનબદ્ધ કામગીરી કરવા રચનાત્મક સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં નિઝર પ્રાંત અધિકારીશ્રી ઓમકાર શિંદે પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ સાથે તમામ અધિકારીઓ કર્મીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ ઉપરાંત જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સાગર મોવાલિયા, નાયબ કલેક્ટરશ્રી નિશાંત કુગાશિયા, વ્યારા પ્રાંત અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અનિલ વસાવા, સહાયક માહિતી નિયામકશ્રી સુમિત ગોહિલ તેમજ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ પ્રત્યક્ષ તથા વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
