સોનગઢ ખાતે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ના સમાપન પ્રસંગે ભવ્ય મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો
Contact News Publisher

રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે મહિલા સશક્તિકરણ અને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ પર ભાર મૂક્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૮. :– ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મજયંતી નિમિત્તે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ઉજવાઈ રહેલા ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ ના સમાપન પ્રસંગે સોનગઢના રંગ ઉપવન હોલ ખાતે રાજ્યકક્ષાના રમતગમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને બુધવારે મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.
મહિલા સંમેલનને સંબોધતા રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાએ માત્ર ૨૫ વર્ષની વયે જળ, જંગલ અને જમીનના અધિકારોની રક્ષા માટે અંગ્રેજો સામે ઐતિહાસિક લડત આપી હતી. તેમણે સમાજમાંથી અંધશ્રદ્ધા, કુરિવાજો અને વ્યસનો દૂર કરવા તેમજ શિક્ષણના પ્રસાર માટે પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૫ નવેમ્બરને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની શરૂઆત કરી આદિવાસી સમાજના ગૌરવને નવી ઓળખ આપી છે. આદિવાસી સમાજનાં દ્રૌપદી મુર્મુજી દેશનાં સર્વોચ્ચ પદે બિરાજમાન છે, જે સૌ માટે ગૌરવની વાત છે. તેમણે મહિલાઓને દરેક ક્ષેત્રે નેતૃત્વ લઈ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
સરકારની યોજનાઓની માહિતી આપતાં તેમણે આદર્શ નિવાસી શાળાઓ, એકલવ્ય મોડેલ સ્કૂલો, ફ્રી શિપ કાર્ડ યોજના અને આયુષ્માન કાર્ડ હેઠળ રૂ. ૧૦ લાખ સુધીની મફત સારવાર જેવી સુવિધાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
તેમણે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગેની અફવાઓથી સાવચેત રહેવા અને સોશિયલ મીડિયા પર ફેલાતી ભ્રામક માહિતીથી ગેરમાર્ગે ન દોરાવા પણ અપીલ કરી હતી.
કાર્યક્રમમાં પ્રગતિશીલ મહિલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિનું મહત્ત્વ અને તેના ફાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંત્રીશ્રીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઈસીડીએસના સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે અગ્રણી સર્વશ્રી ડૉ. જગદીશભાઈ પટેલ અને નિખિલભાઈ શેઠ, નિવાસી અધિક કલેક્ટર આર. આર. બોરડ, શ્રી શુભમ રાઠોડ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, સરપંચશ્રીઓ, સખી મંડળની બહેનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
○○○
