તાપી જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
કલેક્ટર ડો. વિપીન ગર્ગની અધ્યક્ષતામાં ઇંધણ-રાંધણગેસની ઉપલબ્ધતા અંગે જિલ્લા સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.01 :- તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસની ઉપલબ્ધતા તથા જીવન જરૂરી ચીજવસ્તુઓની સ્થિતિ સુનિશ્ચિત કરવા જિલ્લા સ્તરીય સમિતિની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના પૂરતા જથ્થાની ઉપલબ્ધતા રાખવા તેમજ કોઈપણ પ્રકારની અછત ન સર્જાય તે માટે આગોતરા આયોજન કરવા અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી. તેમણે વિતરણ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા અને ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં સમયસર પુરવઠો પહોંચે તે અંગે વિશેષ ભાર મુક્યો હતો.
આ ઉપરાંત, ગેસ પુરવઠાની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરતા કલેક્ટરશ્રીએ એલપીજી સિલિન્ડરની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી હતી અને જરૂરિયાત મુજબ પૂરતો જથ્થો જાળવવા સંબંધિત અધિકારીઓને દિશા-નિર્દેશ આપ્યા હતા.
કલેક્ટરશ્રીએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગોતરા આયોજનના ભાગરૂપે નાગરિકો પાઈપ નેચરલ ગેસ (PNG) અપનાવે તેમજ જ્યાં રાંધણગેસની વધુ જરૂરિયાત છે તેવી સામાજિક સંસ્થાઓ, મધ્યાહન ભોજન કેન્દ્રો, હોસ્પિટલો, હોસ્ટેલો જેવા સ્થળોએ પીએનજી કનેક્શન આપવાની બાબત પર ભાર મૂક્યો હતો.
ઉપરાંત સંબંધિત વિભાગોને સંકલનથી કાર્ય કરીને નાગરિકોને અવિરત અને સરળ ઈંધણ અને ગેસનો પુરવઠો ઉપલબ્ધ કરાવવા સૂચનાઓ આપી હતી. તંત્ર દ્વારા પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના સ્ટોકનું દૈનિક ધોરણે મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. માટે લોકોએ ગભરાવવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, તાપી જિલ્લામાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડિઝલનો જથ્થો તેમજ રાંધણગેસનો જથ્થો પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. માટે લોકોએ ગભરાવવાની જરૂર નથી. એક ગ્રાહક દ્વારા બે એલપીજી સિલિન્ડરના બુકિંગ વચ્ચે ૨૫ દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે, જેથી કરીને પુરવઠાનું સંતુલન જળવાઈ રહે.
લોકો અફવાઓથી દૂર રહે નાગરિકોને અડચણ ન સર્જાય તે પ્રકારે જાગૃતિ સંદેશ ફેલાવવા ઓઇલ અને ગેસ કંપનીઓના પ્રતિનિધિશ્રીઓને માર્ગદર્શન તથા અનાવશ્યક સ્ટોકિંગ ન થાય તેની પુરવઠા વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખી કાળા બજાર કરતાં શખ્સો સામે કાર્યવાહી કરવા કલેકટરશ્રીએ સૂચનો કર્યા હતા.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જશુભાઈ દેસાઈ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી સાગર મોવાલિયા, સંબંધિત ઓઇલ કંપનીઓના પ્રતિનિધિશ્રીઓ, ગેસ એજન્સીના પ્રતિનિધિઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
