તાપી જિલ્લામાં રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતીનું જન અભિયાન વેગવંતુ બન્યું
જીવામૃત અને ઘન જીવામૃત જમીન માટે સંજીવની સમાન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.24 :- ગુજરાતની સાથે હવે તાપી જિલ્લાની ખેતીમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાયો છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા વપરાશને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બન, નાઈટ્રોજન અને ઝીંક જેવા પોષકતત્વોની ઉણપ વર્તાઈ રહી છે, ત્યારે ‘પ્રાકૃતિક ખેતી’ એક આશાનું કિરણ બનીને ઉભરી છે. ખેતીમાં ખર્ચ ઘટાડીને આવક બમણી કરવા માટે તાપી જિલ્લાના ૧૫ હજારથી વધુ ખેડૂતો હવે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ તરફ વળ્યા છે, જે જમીનની ગુણવત્તા સુધારવામાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
પ્રાકૃતિક ખેતીના ‘પંચામૃત’ સમાન દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી તૈયાર કરેલ જીવામૃત અને ઘન જીવામૃત જમીનમાં સૂક્ષ્મજીવો અને અળસિયાની સંખ્યામાં ધરખમ વધારો કરે છે. આ પ્રક્રિયાથી જમીનમાં ‘હ્યુમસ’નું નિર્માણ થાય છે, જે જમીનને પોચી અને ફળદ્રુપ બનાવી તેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ સંજીવની સમાન પદ્ધતિથી જમીન કુદરતી રીતે જ પોષક તત્વોથી ભરપૂર બને છે, જેનાથી રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા સંપૂર્ણપણે નાબૂદ થાય છે.
આ પદ્ધતિ અપનાવવા માટે ખેડૂતોએ સૌ પ્રથમ રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓનો ત્યાગ કરવો આવશ્યક છે. વાવેતર સમયે બિયારણને બીજામૃતનો પટ આપી સુરક્ષિત અને તંદુરસ્ત વાવણી કરવી જોઈએ, તેમજ ઉભા પાકમાં પિયત સાથે નિયમિત જીવામૃત આપી છોડનું પોષણ કરવું જોઈએ. વધુમાં, જમીનનું તાપમાન જાળવવા અને ભેજ સંગ્રહ માટે કાષ્ટ કે જીવંત આચ્છાદન કરવું ખૂબ જ જરૂરી છે, જે જમીનની જૈવિક સંપત્તિનું રક્ષણ કરે છે.
પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ખેતી ખર્ચ લગભગ શૂન્ય થઈ જાય છે, કારણ કે તમામ જરૂરી સાધનો ખેડૂતોને ઘરઆંગણે જ ઉપલબ્ધ થાય છે. પરિણામે, શુદ્ધ અને ઝેરમુક્ત ઉત્પાદન મળે છે, જેના બજારમાં સારા ભાવ મળતા ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને છે. આમ, તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી એ માત્ર એક પદ્ધતિ નથી, પરંતુ ધરતી માતાને બચાવવાનું અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવી સમૃદ્ધ કરવાનું એક મહત્વપૂર્ણ જન અભિયાન બની રહ્યું છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
