ડોલવણના ખેડૂતો માટે વ્યારા KVK ખાતે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.19. :- તાપી જિલ્લાના વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મંગળવારે ડોલવણ તાલુકાના ધંતુરી ક્લસ્ટરના પ્રગતિશીલ ખેડૂતો માટે વિશેષ તાલીમ શિબિર યોજાયો હતો. જેમાં KVK ના વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અને કૃષિ પદ્ધતિઓથી વાકેફ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને ‘ભારત વિસ્તાર એપ’ વિશે વિગતવાર સમજ આપી, ખેડૂતો કેવી રીતે ડિજિટલ માધ્યમથી ખેતીની સચોટ માહિતી મેળવી શકે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. ખેતીમાં ખર્ચ ઘટાડવા અને જમીનનું સ્વાસ્થ્ય સુધારવા માટે રોગ-જીવાત નિયંત્રણના વિવિધ અસ્ત્રો બનાવવાની પદ્ધતિ અને તેના ઉપયોગની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી.
આ તબક્કે પ્રાકૃતિક ખેતી કરતા અનુભવી ખેડૂત સુભાષભાઈ ચૌધરીએ પોતાના પ્રેરણાદાયી અનુભવો રજૂ કર્યા હતા. તેમણે ખેત પેદાશોના સીધા વેચાણ (માર્કેટિંગ) વિશે ઉપયોગી ટિપ્સ આપી ઉપસ્થિત તમામ ખેડૂતોને ઝેરમુક્ત ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
નોંધનીય છે કે, ખેડૂતોને પ્રત્યક્ષ નિદર્શન દ્વારા ‘નિમાસ્ત્ર’ બનાવવાની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી, જેથી તેઓ જાતે જ આ જૈવિક કીટનાશક બનાવી શકે. ત્યારબાદ ખેડૂતોને પંચસ્તરીય મોડેલ ફાર્મની મુલાકાત કરાવી, વિવિધ પાકોનું આયોજન કેવી રીતે કરવું તે સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ખેડૂતોની મૂંઝવણો અને પ્રશ્નોનું વૈજ્ઞાનિકો દ્વારા સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
