તાપીના સખી વન સ્ટોપ સેન્ટરે ૩૦૧ મહિલાઓના જીવનમાં પાથર્યો ખુશીનો ઉજાસ
નારી શક્તિના આત્મસન્માનની લડાઈમાં ‘સખી વન સ્ટોપ સેન્ટર મજબૂત ટેકો આપે છે – મહિલા અને બાળ વિકાસ અધિકારી સુલોચના પટેલ
–
પીડિત મહિલાઓને કાયદાકીય મદદ, પોલીસ સહાય, માનસિક હૂંફ, તબીબી સારવાર અને સલામત આશ્રય પૂરુ પાડતું સખી વન સ્ટોપ સેન્ટર
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૩. :- આજના સમયમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બની સફળતાના શિખરો સર કરતા દેખાઈ રહી છે. એક તરફ, સરકારના પ્રયાસોથી તાપી જિલ્લાની મહિલાઓ વાંસની કળાત્મક ચીજવસ્તુઓ અને ખાદ્યપદાર્થોના વેચાણ દ્વારા સ્વરોજગાર મેળવી રહી છે, તો બીજી તરફ ધ્રુવી પંચાલ જેવી ખેલાડીઓ રમતગમતમાં જિલ્લાનું નામ રોશન કરી રહી છે.
પરંતુ, સિક્કાની બીજી બાજુ, અનેક મહિલાઓ કૌટુંબિક હિંસા, શોષણ અને વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી રહી છે. ઘણી વાર આવી પરિસ્થિતિમાં મહિલાઓ તણાવ, માનસિક દબાણ અને ભયની સ્થિતિમાં રહેવા લાગે છે. આ જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને તાપી જિલ્લામાં મહિલા અને બાળ વિભાગ હસ્ત સખી વન સ્ટોપ સેન્ટરમાં પીડિત મહિલાઓના પ્રશ્નોને વાચા આપીને તેમને પાંચ પ્રકારની સુવિધાઓ અને સલામત આશ્રય આપીને તેમનુ સુખદ નિરાકરણ લાવવાનો સેન્ટર દ્વારા પ્રયાસ કરવામાં આવે છે.

તાપી જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી સુલોચનાબેન પટેલે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, ગત વર્ષ દરમિયાન ઘરેલુ હિંસા અને અન્ય સમસ્યાઓથી પીડિત કુલ ૩૪૧ મહિલાઓએ સેન્ટરની સહાય મેળવી હતી. સેન્ટરની ટીમના સચોટ માર્ગદર્શન અને સંવેદનશીલ પ્રયાસોને પરિણામે તેમાંથી ૩૦૧ કેસોનું સુખદ સમાધાન લાવી શકાયું છે. અહીં મહિલાઓને કાયદાકીય માર્ગદર્શન, પોલીસ સહાય, માનસિક હૂંફ, તબીબી સારવાર અને સલામત આશ્રય જેવી તમામ સેવાઓ એક જ છત નીચે પૂરી પાડવામાં આવે છે.
વ્યારા સ્થિત સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક મધુબેન પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે, હિંસા કે અન્ય વિકટ પરિસ્થિતિમાં મુકાયેલી મહિલાઓ જ્યારે પોતાની વેદના સાથે સેન્ટરનો સંપર્ક કરે છે, ત્યારે ટીમ દ્વારા અત્યંત સંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવે છે. અહીં પીડિત મહિલાઓના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળી તેનું સત્વરે નિરાકરણ લાવવા માટે સલામત આશ્રય, કાયદાકીય માર્ગદર્શન, પોલીસ સહાય અને આરોગ્યલક્ષી સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વધુમાં, આશ્રય લેતી મહિલાઓના બાળકો માટે પણ વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ગત વર્ષ દરમિયાન અમારી ટીમે ૩૦૦થી વધુ કેસોમાં પરિણામલક્ષી પ્રયાસો હાથ ધરી સુખદ સમાધાન કરાવી મહિલાઓના જીવનમાં ફરી ઉજાસ પાથર્યો છે.
તાપી જિલ્લામાં મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે ગત વર્ષ દરમિયાન વિવિધ માધ્યમો દ્વારા પીડિત મહિલાઓને સહાય પહોંચાડવામાં આવી હતી. આંકડાકીય વિગતો મુજબ, સૌથી વધુ ૨૭૦ મહિલાઓએ રૂબરૂ સેન્ટરની મુલાકાત લઈને મદદ માંગી હતી. આ ઉપરાંત, ૪૭ કેસો ૧૮૧-અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા રેફર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ૧૬ કેસોમાં પોલીસ વિભાગ અને ૭ કેસોમાં વિવિધ સામાજિક સંસ્થાઓએ મધ્યસ્થીની ભૂમિકા ભજવી પીડિત મહિલાઓને સુરક્ષિત રીતે સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય લેતી મહિલાઓ માટે તમામ પાયાની અને સાનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં મહિલાઓની સુરક્ષાની સાથે તેમના નાના બાળકોના માટે હિંચકાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી માતા અને બાળક બંનેને સુરક્ષિત અને ઘર જેવું હૂંફાળું વાતાવરણ મળી રહે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
