પીએમશ્રી પ્રાથમિક શાળા ઉમરખાડી ખાતે રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઉમરપાડા તાલુકાની પીએમશ્રી પ્રાથમિક શાળા ઉમરખાડી ખાતે ત્રીજા રમતોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં મુખ્ય મહેમાન તરીકે રેખાબેન ડી. વસાવા (પોલીસ કોન્સ્ટેબલ) ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ – પાવર લિફ્ટિંગ, અતિથિ વિશેષ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા, ઉમરખાડી ગૃપ ગ્રામ પંચાયતનાં સરપંચ ગુલાબભાઈ, જિલ્લા શિક્ષક સંઘનાં સલાહકાર સમિતિનાં કન્વીનર અનિલભાઈ ચૌધરી સહિત શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો અને વાલીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
સમગ્ર રમતોત્સવનું આયોજન શાળાનાં મુખ્ય શિક્ષક નિલેશભાઈ એસ. ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ શિક્ષક ચીમનભાઈ વસાવા દ્વારા શાળાનાં તમામ બાળકોને ચાર ટુકડીમાં વિભાજીત કરી શાળાનાં અન્ય શિક્ષકોને એક એક ટુકડીનું પ્રતિનિધિત્વ સોંપવામાં આવ્યું હતું. દીપપ્રાગટ્ય, ધ્વજારોહણ, પરેડ અને પીરામીડ બાદ વિવિધ રમતો જેવી કે ફુગ્ગા ફોડ, લીંબુચમચી, દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળાફેંક, કબડ્ડી, ખો ખો, લંગડી અને દોરડાખેંચ જેવી રમતોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનાં અંતે વિજેતાઓને ખૂબજ ઉત્સાહભર્યા માહોલમાં ઇનામ વિતરીત કરવામાં આવ્યા હતાં.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
