ધી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિ.નાં શતાબ્દી મહોત્સવની અવિસ્મરણીય દબદબાભેર ઉજવણી કરવામાં આવી

Contact News Publisher

મંડળીની પ્રગતિ અને વિકાસયાત્રાનાં સહયોગી હોદ્દેદારોનું પૂર્વ મંત્રી મુકેશભાઈ પટેલનાં હસ્તે પુષ્પહાર, મોમેન્ટો સાથે શાલ ઓઢાડી વિશેષ બહુમાન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : શિક્ષકોની આર્થિક સહયોગી એવી ઓલપાડ તાલુકા પ્રાયમરી ટીચર્સ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ.ની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં તેનાં શતાબ્દી મહોત્સવની ઉજવણીનો ભવ્ય અને ગૌરવસભર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અવસરે મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે કાર્યક્રમનાં અધ્યક્ષ પૂર્વ મંત્રી અને ઓલપાડનાં ધારાસભ્ય એવાં મુકેશભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષકો સમાજની સાથે રાષ્ટ્રનાં આધારસ્તંભ છે. શિક્ષકો આર્થિક રીતે મજબૂત બનશે તો શિક્ષણ વ્યવસ્થા પણ વધુ સશક્ત બનશે. સહકારી સંસ્થાઓ શિક્ષકોને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમણે આ મંડળી દ્વારા શિક્ષકોનાં હિતમાં લેવાયેલ નિર્ણયોની પ્રસંસા કરી અને ભવિષ્યમાં પણ શિક્ષક કલ્યાણ માટે નવી પહેલો હાથ ધરવા પ્રોત્સાહન પૂરુ પાડ્યું હતું.
સદર કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.અરૂણકુમાર અગ્રવાલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિનભાઈ પટેલ, ઘી પુરૂષોત્તમ ફાર્મર્સ કોટન મંડળીનાં પ્રમુખ મનહરભાઈ પટેલ તથા સુ.ડી.કો.ઓ.બેંકનાં ચેરમેન બળવંતભાઈ પટેલે ઉપસ્થિત રહીને પ્રસંગ અનુરૂપ પ્રવચન રજૂ કરી મંડળીની ઉત્તરોતર પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી હતી. શતાબ્દી મહોત્સવની ઉજવણીનાં ભાગરૂપે મંડળીનાં સ્થાપકો, પૂર્વ પ્રમુખો સહિત નિવૃત્ત અને સેવારત સેક્ર્ટરીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં. ઉજવણી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે મોમેન્ટો, ગિફ્ટ વાઉચર તથા શતાબ્દી સ્મરણિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રારંભે છેલ્લાં ૨૧ વર્ષથી અવિરત મંડળીનાં પ્રમુખપદે સેવા આપી રહેલ સ્યાદલા ગામનાં વતની અને ગુ.રા.પ્રા.શિ.સંઘનાં સિનિયર ઉપપ્રમુખ, સુ.જિ.પ્રા.શિ.સંઘનાં પ્રમુખ કિરીટ પટેલે સૌને શાબ્દિક આવકાર આપી જણાવ્યું હતું કે દેશની આઝાદી પૂર્વે સને ૧૯૨૫ માં ભૂતપૂર્વ શિક્ષકોએ સ્થાપેલ આ મંડળીમાં હાલ ૬૧૦ શિક્ષક સભાસદ ભાઈ-બહેનો છે. મંડળી પાસે રૂ. ૨ કરોડ જેટલુ શેરભંડોળ અને રૂ. ૯ લાખની બચત થાપણ છે. મંડળીનું વાર્ષિક ટર્ન ઓવર રૂ. ૧૬ કરોડ છે. મંડળી સભાસદનાં કુદરતી મૃત્યુ સમયે રૂ. પ લાખ અને અકસ્માતથી મૃત્યુ સમયે વધુ રૂ. ૫ લાખ મળી કુલ રૂ. ૧૦ લાખની સહાય પરિવારજનોને કરી માનવતાનું ઉત્તમ કામ કરી રહી છે. આજે વટવૃક્ષ બની ચૂકેલ આ મંડળી સભાસદોને વાર્ષિક રૂ. ૬.૫૦ ટકા વ્યાજનાં દરે રૂ. ૮.૫૦ લાખ ધિરાણ આપી રહી છે. ખૂબજ ઉત્સાહભર્યા માહોલમાં મંડળીનાં કુશળ, પ્રામાણિક અને નિષ્પક્ષ પ્રમુખ કિરીટ પટેલ સહિત પારદર્શક અને સ્વચ્છ વહીવટકર્તા મુખ્ય સેક્રેટરી મહેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરીઓ ભરત પટેલ અને શશીકાંત પટેલનું ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે શાલ ઓઢાડી સ્મૃતિભેટ અર્પણ કરી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આરંભથી અંત સુધી સમગ્ર કાર્યક્રમ આનંદ, ગૌરવ અને સહકારિતાની ભાવનાથી છલકાતો રહ્યો હતો. અંતમાં મંડળીનાં ઉપપ્રમુખ બળદેવ પટેલે પરસ્પર વિશ્વાસ, સહયોગ, એકતા અને સંસ્થાની પ્રગતિ અને સિદ્ધિઓ પ્રતિ ગર્વ વ્યક્ત કરી સૌનો આભાર માન્યો કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *