કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા તાપી ખાતે ૨૩મી વૈજ્ઞાનિક સલાહકાર બેઠક યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : “ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરૂસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે ૨૩મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક નવસારી કૃષિ યુનિવર્સિટીના મા. કુલપતિશ્રી ડૉ. ટી. આર. અહલાવતના અધ્યક્ષપદ અને માર્ગદર્શન હેઠળ તા. ૦૫/૦૧/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યોજાઇ હતી. જેમાં ન.કૃ.યુ., નવસારીના મા. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્મા, કેવિકેના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, વૈજ્ઞાનિકશ્રીઓ, તાપી જિલ્લાના ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગના નાયબ નિયામકશ્રીઓ, પ્રગતિશીલ ખેડૂતો, ડીડીએમ નાબાર્ડ, એલડીએમ, NGOના પ્રતિનિધિઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકના અધ્યક્ષ તથા ન.કૃ.યુ યુનિવર્સિટીના માન. કુલપતિશ્રી ડૉ. ટી. આર. અહલાવત એ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિઓને તેમની આગવી શૈલીથી બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આ કૃષિ કેન્દ્રના વૈજ્ઞાનિકો જિલ્લાના છેવાડાના ગામોમાં જઈને કૃષિની આધુનિક યાંત્રિકતાઓનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિવિધ સંશોધનો ખેડુતો સુધી પહોંચાડવા તેમજ જિલ્લાના દરેક ખેડુતો આ સંશોધનો વિશે અવગત થાય એ વિશે વૈજ્ઞાનિકોને કાર્યો કરવા સૂચનો કર્યા હતા. વધુમાં તેમણે રોબોટિક ગ્રાફ્ટિંગ રિંગણ રોપાઓ અંગેના ખેડૂતોના પ્રતિભાવો મેળવવા, કાર્બન ક્રેડિટ તથા પરંપરાગત જ્ઞાન (આઈ. ટી. કે.) માટેના ડોક્યુમેન્ટેશન કરવા અંગે પ્રેરણા આપી હતી. તેમજ ખેડૂતોને આવક વધારવા માટે ખેતી ખર્ચ ઘટે એવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે એ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં ડૉ. અહલાવત એ કૃષિલક્ષી ટેકનોલોજીઓના વધુ સારા પરિણામો માટે “વન ટેકનોલોજી, વન વિલેજ” થકી ક્લસ્ટર બેઝ એપ્રોચ કન્સેપ્ટનો પ્રચાર-પ્રસાર કરવા માટે ભાર મૂક્યો હતો.
નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારીના માન. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્મા, એ જણાવ્યું કે આ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ વ્યવસાયલક્ષી તાલીમ અને માર્કેટિંગ માટેની કામગીરીની સરાહના કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે કેવિકે તાપી દ્વારા આપવામાં આવેલ અગ્રિમ હરોળ નિદર્શનની ટેક્નોલોજીઓ જિલ્લાના કૃષિ અને સંલગ્ન વિભાગો દ્વારા પ્રચાર પ્રસાર થાય એ અંગે સૂચન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વડા ડૉ. સી. ડી. પંડ્યા એ સભ્યશ્રીઓને આવકાર આપી વર્ષ ૨૦૨૫નો કેન્દ્રનો પ્રગતિ અહેવાલ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃત રીતે સમજાવ્યો હતો. ડૉ. પંડ્યા એ કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ વિવિધ તાલીમો, અગ્રિમ હરોળ નિદર્શન, જુદી જુદી વિસ્તરણ પ્રવૃત્તિઓ, સફળતાની વાર્તાઓ, ઇમ્પેક્ટ સ્ટડીઝ, કૃષિલક્ષી ટેકનોલોજી માટે ખેડૂતોના પ્રતિભાવો તેમજ કેન્દ્રએ મેળવેલ સિદ્ધિઓની વિસ્તૃત ચર્ચા કરી હતી તથા વર્ષ ૨૦૨૬ના એન્યુઅલ એક્શન પ્લાન રજૂ કર્યો હતો અને સભ્યશ્રીઓ દ્વારા આપવામાં આવેલ સૂચનોનો પણ એક્શન પ્લાનમાં સામેલ કરવામાં આવશે એ અંગે જણાવ્યું હતું. સદર કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતો શ્રીમતી અરવિંદાબેન ગામીત, સીંગપુર, તા. સોનગઢ અને શ્રી પ્રતિકભાઈ ચૌધરી, તા. વ્યારા અને શ્રીમતી અંજનાબેન ગામીત દ્વારા કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ વ્યવસાયલક્ષી તાલીમના અને ટેકનિકલ સપોર્ટ વિશે પ્રતિભાવો રજૂ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ ડૉ. એ. જે. ઢોડીયા વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા કરવામાં આવી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
