તાપી જિલ્લાની શાળાઓમાં ‘વીર બાલ દિવસ’ની ભવ્ય ઉજવણી
જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓએ નિબંધ, ચિત્ર, વકૃત્વ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો
—
શિક્ષકો દ્વારા વીર બાલ દિવસની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓને રાષ્ટ્રભક્તિના પાઠ ભણાવ્યા
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૭ :- શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગોવિંદસિંહજીના સાહિબજાદાઓના અદ્ભુત શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં તાપી જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ‘વીર બાલ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય આશય બાળકો અને યુવાનોમાં વીરતા, નૈતિક મૂલ્યો અને દેશભક્તિની ભાવના કેળવવાનો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. વર્ષાબેન વસાવાના નેતૃત્વમાં ડોલવણ તાલુકાના ગડત પ્રાથમિક શાળા કાતે ચિત્ર સ્પર્ધા અને ક્વિઝ-પ્રશ્નોત્તરી દ્વારા બાળકોએ સાહિબજાદાઓના ઇતિહાસને વાગોળ્યો હતો. કેલવણ પ્રાથમિક શાળા ખાતે પ્રભાત ફેરી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વધુમાં મંગળીયા પ્રાથમિક શાળામાં નિબંધ લેખન અને વકૃત્વ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. નવા વડગામ પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા અને વાર્તાકથન જેવા રસપ્રદ કાર્યક્રમો યોજાયા હતા. તેમજ બોરઠા પ્રાથમિક શાળા (નવલપુર), ઉચ્છલ તાલુકાના માનેકપુર ખાતે પણ વિદ્યાર્થીઓએ કવિતા, ચર્ચા, નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સમગ્ર તાપી જિલ્લાની શાળાઓમાં વીર બાલ દિવસની ઉજવણી પ્રસંગે પ્રભાત ફેરી, નાટક, કવિતા, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, ક્વિઝ પ્રશ્નોત્તરી, નિંબધ સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજીને નવી પેઢીમાં રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણની ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
