શહેરની ભીડ છોડી વતનની માટીમાં સ્વરોજગારીનું બીજ રોપતા સોનગઢના પ્રદીપ ચૌધરી
રૂ. ૧૨ લાખની સામે સરકારનો રૂ. ૫ લાખનો આર્થિક ટેકો : શ્રી વાજપેયી બેન્કેબલ યોજના બની આશિર્વાદરૂપ
—
હનુમંતિયા ગામમાં સિમેન્ટ બ્લોક મેન્યુફેક્ચરિંગ શરૂ કરી પ્રદીપભાઈ બન્યાં જોબ ગીવર
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૨૨. :- મનમાં દ્રઢ સંકલ્પ અને સરકારના સહયોગથી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના હનુમંતિયા ગામના પ્રદીપભાઈ ચૌધરીએ પોતાના ઘરના જ એક નાના ઓરડામાં સિમેન્ટ બ્લોક મેન્યુફેક્ચરિંગનો લઘુ ઉદ્યોગ શરૂ કર્યું છે. વર્ષો સુધી સુરત જેવા મોટા શહેરમાં નોકરી કર્યા બાદ, વતનની યાદ અને ગામના યુવાનો માટે કંઈક કરવાની દ્રઢ ઈચ્છાએ પ્રદીપભાઈને આજે એક સફળ ઉદ્યોગ સાહસિક બનાવી દીધા છે.
સુરતમાં નોકરી કરતા પ્રદીપભાઈનું મન હંમેશા ગામડાની શેરીઓમાં જ રહેતું. તેઓ હંમેશા વિચારતા કે, પોતે તો આત્મનિર્ભર બનીશ જ, પરંતુ ગામના યુવાનોને રોજગાર માટે શહેરના ધક્કા ન ખાવા પડે તેવું કંઈક કરીશ. આ ઈચ્છાને સોશિયલ મીડિયાની એક રીલ્સે જાગૃત કરી, જેનાથી પ્રેરાઈને તેઓએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, વ્યારાની મુલાકાત લઈને ‘શ્રી વાજપેયી બેન્કેબલ યોજના’ અંગેની અધિકારીઓ, કર્મચારીઓ પાસે ઝીણવટપૂર્ણ જાણકારી મેળવી હતી.
આ પ્રસંગે પ્રદીપભાઈ ચૌધરીએ જણાવ્યું કે, સિમેન્ટ બ્લોક મેન્યુફેક્ચરિંગના લઘુ ઉદ્યોગ શરૂ કરવા માટે શ્રી વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ મને રૂ. ૧૨ લાખની લોન અને સરકાર તરફથી રૂ. ૫ લાખની સબસિડી મળી છે. સબસિડીના કારણે મને માત્ર બાકી રહેતી રકમ પર જ ધ્યાન આપવાનું છે.
વધુમાં શ્રી ચૌધરીએ ઉમેર્યુ કે, મારા આ નવા સાહસનું ઉદ્ઘાટન રાજ્યમંત્રી શ્રી જયરામભાઈ ગામીતના હસ્તે કરાયું છે, જે મારા માટે ગૌરવની બાબત છે. અત્યારે ધંધો પ્રારંભિક તબક્કે ધીમી ગતિએ ચાલી રહ્યો છે, પરંતુ મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ લઘુ ઉદ્યોગ ગામની આર્થિક પ્રગતિનું કેન્દ્ર બનશે. ગામના યુવાનો પણ મારી સાથે જોડાય અને અમે સૌ મળીને ગામના અર્થતંત્રને વેગ આપીશું.
નોંધનીય છે કે, ગઈકાલ સુધી જે ઓરડો માત્ર ઘરનો એક ભાગ હતો, તે આજે રોજગારીનું કેન્દ્ર બની ગયો છે. પ્રદીપભાઈનું આ સ્ટાર્ટઅપ માત્ર એક બિઝનેસ નથી, પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ ના વિઝન તરફનું એક મક્કમ પગલું છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
