વ્યારા ખાતે ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળા’ નો ભવ્ય પ્રારંભ કરાવતાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ

Contact News Publisher

નારી શક્તિનું આર્થિક સશક્તિકરણ જ દેશના વિકાસનો સાચો પાયો છે – મંત્રીશ્રી નરેશભાઈ પટેલ

— 

વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારી શક્તિનું મહાનુભાવોના હસ્તે સન્માન

— 

મંત્રીશ્રીએ સખીમંડળની બહેનો દ્વારા નિર્મિત હસ્તકલા અને ખાદ્ય ચીજવસ્તુઓના ઉત્કૃષ્ટ બ્રાન્ડિંગ તેમજ ગુણવત્તા પર વિશેષ ભાર મૂકી તેમને પ્રોત્સાહિત કર્યા હતા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૦ :- તાપી જિલ્લાના વ્યારા સ્થિત દક્ષિણાપથ વિદ્યાલય મેદાન ખાતે ‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ થીમ આધારિત ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળા’નું રીબીન કાપીને પ્રારંભ કરાવતા રાજ્યના આદિજાતિ વિકાસ, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલાઓના ઉત્થાનને પ્રાધાન્ય આપીને અમલીકૃત અનેક જનકલ્યાણકારી યોજનાઓ થકી તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.

તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહેનોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી કામગીરીની પ્રશંસા કરતા મંત્રીશ્રી નરેશભાઈ પટેલે સખીમંડળની બહેનોને ઉત્પાદનોની ગુણવત્તા જાળવવા, આધુનિક બ્રાન્ડિંગ અપનાવવા અને સમય સાથે અપડેટ રહેવા અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

વધુમાં તેમણે ઉમેર્યું કે, ‘માનવ ગરિમા’ અને ‘વિશ્વકર્મા’ જેવી યોજનાઓને ગ્રામીણ બહેનો સાથે જોડીને તેમને આત્મનિર્ભર બનાવવા સરકાર મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ગ્રામીણ કલા-કૌશલ્યને યોગ્ય બજાર પૂરું પાડવા સરકાર કટિબદ્ધ છે. દેશ જ્યારે વિકસિત અને આત્મનિર્ભર રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે નારી શક્તિનું આર્થિક સશક્તિકરણ જ દેશના વિકાસનો સાચો અને મજબૂત પાયો સાબિત થશે.

ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ – ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર નારી શક્તિનું સન્માન કરાયું હતું. આ તકે મંત્રીશ્રીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ ઘન કચરા વ્યવસ્થાપન અંગે ફાળવવામાં આવેલી ૨૦૦ ઈ રીક્ષા પૈકી ૫૦ જેટલી ઈ રીક્ષાઓનું પ્રતિકાત્મક સ્વરૂપે લોકાર્પણ કરાયું હતું.

તા. ૨૦ થી ૨૨ ડિસેમ્બર સુધી ચાલનારા આ મેળામાં તાપી જિલ્લાના વિવિધ સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલા, ખાદ્ય ચીજવસ્તુઓ અને પ્રાકૃતિક ખેતી આધારિત ઉત્પાદનો, પરંપરાગત આભૂષણો અને ગૃહ સુશોભનની સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ માટે સ્ટોલ્સ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતાં. જેની પણ મંત્રીશ્રીએ મુલાકાત લીધી હતી.

આ ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉ. વિપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, પ્રાયોજના વહીવટદારશ્રી જયંતસિંહ રાઠોર, જિલ્લા ગ્રામ વિકાસ નિયામકશ્રી ખ્યાતિબેન પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *