ઘેર-ઘેર સંસ્કાર અને માનવતાનો બોધ આપતી ઐતિહાસિક મોટામિયાં માંગરોળની ગાદીનાં ઉર્સ મેળાનો તારીખ 20 ડીસેમ્બરથી પ્રારંભ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઘેર-ઘેર સંસ્કાર આપો, ઘેર- ઘેર ગાય પાળો, કોમી એકતા, ઘેર-ઘેર વૃક્ષ વાવો, શિક્ષણ, આધ્યાત્મિક પ્રગતિ, માનવતા, વ્યસનમુક્તિ તેમજ કન્યા કેળવણીનો બોધ આપતી પરંપરાગત ઐતિહાસિક બિનરાજકીય મોટામિયાં માંગરોળની દરગાહ શરીફમાં હાલનાં એકમાત્ર સજજાદાનશીન-ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ એજ પરંપરા જાળવી રાખી પૂર્વજોની ઢબે રાજકારણથી દૂર રહી સેવા કાર્ય કરી રહ્યાં છે. સેંકડો વર્ષેાની પરંપરા અનુસાર દર વર્ષે ગુજરાતી તિથિ મુજબ પોષ સુદ એકમથી ઉર્સ મેળાનું આયોજન થાય છે. આ વર્ષે મેળો તારીખ ૨૦/૧૨/૨૦૨૫નાં શનિવાર થી શરૂ થશે અને તારીખ ૨૧/૧૨/૨૦૨૫નાં રવિવારની રાત્રે ચિરાગી થશે તથા રાબેતા મુજબ પંદર દિવસ સુધી ચાલશે. તારીખ ૨૦/૧૨/૨૦૨૫નાં શનિવારનાં રોજ હાલનાં ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તથા તેઓનાં સુપુત્ર-અનુગામી ડો. મતાઉદ્દીન ચિશ્તી પોતાનાં રહેઠાણ પાલેજથી મોટામિયાં માંગરોળ આવશે, જ્યાં મુખ્ય પ્રવેશદ્રાર પાસે તેઓનું સ્વાગત કરવામાં આવશે. તારીખ ૨૦નાં ૩:૩૦ કલાક બાદ વર્તમાન ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીનાં મુબારક હસ્તે સંદલ શરીફની વિધિ થશે તેમજ ભાઈચારો, કોમી-એકતા માટે વિશેષ દુવાઓ પણ થશે. ઉર્સ દરમિયાન કોમી એકતાનાં ભજન અને મહેફિલે સમા જેવાં કાર્યક્રમ થશે. અહીં વિવિધ કોમનાં લોકો ભેગા મળી કોમી એકતાનું ઉદાહરણ પુરું પાડે છે, આ ગાદી પ્રેરિત ચાલતા ગ્લોબલ સૂફી પીસ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, અધ્યાત્મ તથા સમાજ સેવાના અનેક કાર્યો થઈ રહ્યાં છે, શિક્ષણક્ષેત્રે આધુનિક કેમ્પસમાં અંગ્રેજી માધ્યમની સીબીએસઇ શાળા પણ ચાલે છે. ઉર્સ મેળા દરમિયાન અહીં ચિશ્તીયાનગર કમ્પાઉન્ડ ખાતે વિવિધ પ્રકારની ચગડોળ, મનોરંજનનાં સાધનો અને ખાણીપીણીનાં સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બને છે, જેનો અનેક લોકો લાભ ઉઠાવે છે. સૌ સાથે મળીને હર્ષ-ઉલ્લાસ સાથે એકબીજાનાં સહકારથી આ ઉત્સવ અનેરો બનાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
