તાપી જિલ્લાના પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણેના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂન સમીક્ષા બેઠક યોજાઈ

ચોમાસા દરમિયાન ઝીરો કેઝ્યુઆલિટી અભિગમને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન અપાયું
—
ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન પર પ્રભારી સચિવશ્રીનો વિશેષ ભાર આપતાશ્રી તોરવણે
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૩. :- તાપી જિલ્લાના પ્રભારી સચિવ તથા શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી મિલિંદ તોરવણેના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ચોમાસુ-૨૦૨૬ની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પ્રિ-મોન્સૂન સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન પ્રભારી સચિવશ્રી તોરવણેએ જિલ્લાના તમામ અધિકારીઓને ચોમાસા દરમિયાન આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત રાહત અને બચાવ કામગીરી સુનિયોજિત અને ઝીરો કેઝ્યુઆલિટી અભિગમને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સંભવિત કુદરતી આપત્તિઓ સામે પૂર્વ તૈયારી સુનિશ્ચિત કરવા તેમજ તંત્રને હંમેશા સજ્જ રાખવા પર ભાર મૂક્યો હતો.
વધુમાં જિલ્લા કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખવા, સાધન-સામગ્રીની ચકાસણી, તરવૈયાઓ, આપદા મિત્રો તથા સરપંચશ્રીઓની સંપર્ક વિગતો અધ્યતન રાખવા તેમજ શાળાઓ અને સરકારી ઇમારતોમાં પાણી, વીજળી અને ભોજન સહિતની જરૂરી સુવિધાઓ સાથે શેલ્ટર હોમ તૈયાર રાખવા અંગે સૂચનાઓ આપી હતી.
તેમણે સંબંધિત વિભાગોને ચોમાસા પૂર્વે રોડ-રસ્તા, મોટા પુલો, ગરનાળા અને કોઝવે સહિતના વિવિધ માળખાંની ચકાસણી કરી જરૂરી જાળવણી કામગીરી સમયસર પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, વરસાદી પાણીના સરળ નિકાલ માટે સમયસર સફાઈ કામગીરી સુનિશ્ચિત કરવા, જોખમી સ્થળોએ ચેતવણીરૂપ સાઇનબોર્ડ લગાવવા, જરૂરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા તેમજ વિવિધ વિભાગો હસ્તકના જર્જરિત મકાનોની ઓળખ કરી તેને સમયસર દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવા પર ભાર મૂક્યો હતો. કોઈપણ પ્રકારની જાનહાનિ કે જાનમાલના નુકસાનની ઘટના ન બને તે માટે વહીવટી તંત્રને વિશેષ સતર્કતા રાખવા તેઓશ્રીએ તાકીદ કરી હતી.
વધુમાં, રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો ઉલ્લેખ કરતાં પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી મિલિંદ તોરવણેએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં આજથી શરૂ થયેલા ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ દરમિયાન જે બાળકોનું નામાંકન કરવામાં આવ્યું છે, તેઓ અભ્યાસ અધવચ્ચેથી છોડી ન દે (ડ્રોપઆઉટ ન થાય) તેની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ વિભાગની રહેશે. તેમણે ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક બનાવવા, શાળા બહારના (આઉટ ઓફ સ્કૂલ) બાળકોને શિક્ષણની મુખ્યધારામાં જોડવા તેમજ જિલ્લામાં ૧૦૦ ટકા નામાંકન સુનિશ્ચિત થાય તે માટે વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા ભાર મૂક્યો હતો. આ સાથે જ શિક્ષણ ક્ષેત્રે ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા તથા સરકારશ્રીની વિવિધ શૈક્ષણિક અને કલ્યાણકારી યોજનાઓનો લાભ સમયસર લાભાર્થી વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
