હૂંફ અને સહાનુભૂતિ મળે તો દિવ્યાંગ બાળકો પણ સામાન્ય બાળકોની જેમ વર્તી શકે છે : બ્રિજેશ પટેલ
બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે વિશ્વ દિવ્યાંગ દિનની પ્રોત્સાહક ઉજવણી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દિવ્યાંગ બાળકોનાં હિતોની જાળવણી માટે દર વર્ષે વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દિવ્યાંગ બાળકોને શિક્ષણ આપવાની સુવિધાની સાથોસાથ તેમનામાં રહેલી સુષુપ્તશકિત ઉજાગર થાય અને તેમને યોગ્ય પ્રોત્સાહન મળી રહે તે છે. જે અંતર્ગત સમગ્ર શિક્ષા અભિયાનનાં આઈ.ઈ.ડી. વિભાગ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
બી.આર.સી. ભવન, ઓલપાડ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં તાલુકાની વિવિધ શાળાઓનાં દ્રષ્ટિક્ષતિ, મંદબુધ્ધિ, મુકબધિર અને શારિરીક અપંગતા જેવી ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતાં બાળકો તથા તેમનાં વાલીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે દિવ્યાંગ હોવું એ શ્રાપ નથી. આવા બાળકો પણ સામાન્ય બાળકોની જેમ વર્તી શકે છે, ફકત તેમને સહાનુભૂતિ અને હમદર્દીની જરૂર છે. આ પ્રસંગે તેમણે દિવ્યાંગ બાળકોની કોઈપણ સમસ્યા માટે જરૂરી સહકાર આપવાની ઉપસ્થિત વાલીજનોને ખાતરી આપી હતી. ઓલપાડ મુખ્ય શાળાના આચાર્ય કૈલાશબેન વરાછીયાએ પણ પ્રસંગને અનુરૂપ પ્રોત્સાહિત વાતો રજૂ કરી હતી.
આ પ્રસંગે સૌ દિવ્યાંગ બાળકોને કોલાઝ વર્ક, મને શું થવું ગમે ? સંદર્ભે વિવિધ પ્રવૃત્તિઓ તેમજ રમતો રમાડવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ઓલપાડ તાલુકાનાં આઈ.ઈ.ડી. સ્પેશિયલ એજ્યુકેટર મિલન પટેલ, બળવંત પટેલ, વિશિષ્ટ શિક્ષક નીતા પટેલ તથા જીજ્ઞા પટેલે જહેમત ઉઠાવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
