પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી અને માંડવી ધારાસભ્ય શ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે સોનગઢ અને ઉકાઈ તાલુકાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના રૂ. 7.84 કરોડના માર્ગ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
આમલીપાડા ખાતે નવા ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરતા ધારાસભ્યશ્રી કુંવરજીભાઇ હળપતિ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 28. માંડવી વિધાનસભાના ધારાસભ્યશ્રી અને પૂર્વ આદિજાતિ વિકાસ મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિના હસ્તે સોનગઢ અને ઉકાઈ તાલુકાના ચાકળીયા, ઉખલદા અને આમલીપાડા ખાતેથી માર્ગ અને મકાન વિભાગ તાપી (પંચાયત) હેઠળના કુલ રૂ. 7.84 કરોડના માર્ગ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી બાકી રહેલી ગ્રામ્ય સુવિધાઓને ગતિ આપવા હેતુસર રૂ. 784.02 લાખના અનેક માર્ગોના વિકાસ માટે મંજૂરી આપવામાં આવી હતી. સાથે સાથે આમલીપાડા ખાતે નવ નિર્મિત ગ્રામ પંચાયત ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી અને પૂર્વ આદીજાતિ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લોકોની જરૂરિયાતોને આધારે દરેક કામને પ્રાથમિકતા આપી મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ વિસ્તારના ગામોનો વિકાસ એ મારું મુખ્ય ધ્યેય છે.ગામના રસ્તા સારી રીતે વિકસશે તો વિકાસ સ્વયં આપણા ગામ સુધી પહોંચશે.
નોંધનીય છે કે આંતરિક રસ્તાઓની પહોળાઈ વધારવા તથા ડામર સપાટી બનાવવાના કામો હાથ ધરાતા હવે ગામજનોને ખેતીની પેદાશોની અવરજવર, નોકરી-ધંધા જનાર નાગરિકો અને વિદ્યાર્થીઓને તેમજ ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે આ માર્ગ સુવિધા ખુબ લાભકારી સાબિત થશે.
અંતરિયાળ વિસ્તારમાં હાથ ધરાયેલા માર્ગ વિકાસ કાર્યો માં મહત્વપૂર્ણ રસ્તાઓની વાત કરીયે તો સોનગઢના ચાકળીયા દૂધ ડેરીથી કાટગઢ એમ.એન.એમ.ને જોડતો માર્ગ, અગાસવાણ કેલીયા રોડ, ઉકાઈ તાલુકાના ઉખલદા ગામે ઉતાણી ફળિયા થી ગાજણદેવી ફળિયાને જોડતો માર્ગ, ગુણસદા મારુતિ નગરથી આશ્રમ ફળિયા મારફતે સોનગઢને જોડતો માર્ગ, નાની ખેરવણ અપ્રોચ રોડ, આમલીપાડા અને આછલવા અપ્રોચ રોડ, ધજાંબા કોટરવાળી ફળિયા રોડ, મોટી ખેરવાણ ડુંગરી ફળિયા રોડ, બેડવાણ પ્રાથમિક શાળા ભેંસરોટ આમ આ તમામ રસ્તાના કામોનો કુલ ખર્ચ રૂ. 784.02 લાખ થશે.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી, સભ્યશ્રી, સરપંચશ્રીઓ, સુમુલ ડેરીના ડિરેક્ટરશ્રી, માર્ગ અને મકાન (પંચાયત) વિભાગના અધિકારીઓ, આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
