‘સાંસદ ખેલ મહોત્સવ’નો વ્યારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ભવ્ય પ્રારંભ
મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૨૪. બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા દ્વારા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, તાપીના સંયુક્ત ઉપક્રમે, તા. ૨૪ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ વ્યારા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ‘સાંસદ ખેલ મહોત્સવ’નો શુભારંભ કરવામાં આવ્યો. આ ખેલ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય તાપી જિલ્લાના ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો અને રમત-ગમત માટે એક સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરવાનો છે.
આ ઉદ્ઘાટન સમારોહમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજ્ય મંત્રીશ્રી, રમત ગમત, યુવા સાસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ, ડૉ. જયરામભાઈ ગામીત ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સુરજભાઈ વસાવાએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત, અતિથિ વિશેષ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામ નિવાસ, જિલ્લા રમત વિકાસ અધિકારી તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી
સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા એ તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ખેલો ઇન્ડિયા’ અને ‘ફિટ ઇન્ડિયા’ના સંકલ્પને સાકાર કરવા તથા તાપી જિલ્લાની યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકાવવા માટે આ મહોત્સવ એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. આપણા તાપી જિલ્લાના યુવાનો ખુબ ખડતલ અને મહેનતુ છે થોડું સ્પોર્ટ્સમાં ધ્યાન આપીને સારું પ્રદર્શન કરવા માટે સલાહ આપી સૌને શુભેચ્છા આપી હતી.
અધ્યક્ષ સ્થાનેથી મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે તથા મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન દ્વારા ખેલાડીઓને રમતગમત પ્રત્યે સમર્પિત રહેવા અને શિસ્તબદ્ધ પ્રદર્શન દ્વારા જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધારવા આહવાન કર્યું હતું.
આ ‘સાંસદ ખેલ મહોત્સવ’માં મોટી સંખ્યામાં વિવિધ રમતોના ખેલાડીઓ, કોચ, રમતપ્રેમી નાગરિકો અને વાલીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ખેલ મશાલ પ્રગટાવી મહોત્સવને વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
