અણસમજુને અવગણવું પણ એટલું જ જરૂરી છે, જેટલું સમજદારને અનુસરવું: ડો. મતાઉદ્દીન ચિશ્તી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : દેડીયાપાડા ખાતે મોટામિયાં માંગરોળની ઐતિહાસિક ગાદીનાં હાલન્ અધિકૃત ગાદીપતિ સજ્જાદાનશીન હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબનાં સુપુત્ર અને અનુગામી ડો. મતાઉદ્દીન ચિશ્તી સાહેબનાં સાનિધ્યમાં સંવેદના પર્વનું રમણભાઈ ભગત પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દેડીયાપાડા ખાતે આગમન થતાં પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સંવેદના પર્વની શરૂઆત બાળાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગતગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન નટુભાઈ ચૌધરી કર્યું હતું, જયારે સમગ્ર સંચાલન કુંવરજી ભાઈ વસાવા ઈશ્વરભાઈ ચૌધરી દ્રારા કરવામાં આવ્યું હતું.
અત્રે ઉપસ્થિત વિવિધ ધર્મનાં લોકોને સંબોધન કરતાં ડો. મતાઉદ્દીન ચિશ્તીએ જણાવ્યું કે આજનાં સમયમાં આપણે જીવનમાં સમજાવવા પર વધારે ભાર આપીએ છીએ પણ સમજવા પર નહીં, જેથી સંવેદના પર્વની જરૂર પડી છે. જયારે સંવેદના તમારા હૃદયમાં સ્થાન લેશે ત્યારે વેદનાથી પીડાવાનો સમય નહી રહે. હાલનાં સમયમાં જે સેવા કરીએ છીએ તે સમય ખૂબ જ સરળ છે પરંતુ પાછલા વર્ષોમાં જે અમારા પૂર્વજોએ (સંતોએ) સેવા કરી એ ખૂબ જ પ્રતિકૂળ સમય હતો. દરેક મનુષ્ય માટે હાલમાં સંસાર, સમાજની જવાબદારી નિભાવતા આધ્યાત્મનો પાઠ પણ શીખવાનો ખૂબ જરૂરી છે. આ સાથે ઉપસ્થિત સૌને ગાદીની પરંપરા અનુસાર ઘેર ઘેર સંસ્કાર આપી, શિક્ષણ મેળવવા, વ્યસન મુકિત સહિત ઘેર ઘેર વૃક્ષ વાવવા આપવા ખાસ હાકલ કરવામાં આવી હતી.
ડો. મતાઉદ્દીન ચિશ્તી સાથે તેમનાં જ્યેષ્ઠ પુત્ર નિઝામુદ્દીન ચિશ્તીએ પણ ખાસ ઉપસ્થિત રહી ઉદાહરણ આપી જણાવેલ કે આપણે સૌએ ખુદાની સાચા દિલથી ઈબાદત કરવી જોઈએ. સંવેદના પર્વમાં તાલુકા તેમજ જિલ્લાનાં ભાઇઓ, બહેનો, બાળકો, શ્રધ્ધાળુઓ સહિત ધાર્મિક અને સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તમામ આમંત્રિત મહેમાનોનાં ભોજન માટે સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સાથે મહેફિલ એ સમા તેમજ ભજનનો પણ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
