વ્યારાની ફેશન ડિઝાઈનર અલ્પા ચૌધરીએ આદિવાસી બહેનોને આત્મનિર્ભરતા તરફ દોરી મહિલા સશક્તિકરણનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું
સ્વદેશી પ્રયાસ થકી તાલીમથી રોજગાર સુધીનો માર્ગ બતાવી અલ્પાબેન ગ્રામ્ય આદિવાસી બહેનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા
લોકલ ફોર વોકલ અને હર ઘર સ્વદેશીનો સંકલ્પ અપનાવી વ્યારાની મહિલા ઉદ્યોગસાહસિકે આદિવાસી કારીગરોને આપી નવી ઓળખ અને રોજગારીનું પ્લેટફોર્મ
અલ્પાબેન આજુબાજુની બહેનોને કાપડ કારીગરી અને જ્વેલરી મેકિંગ શીખવે છે જેથી બહેનો પોતાના પગ પર ઊભા રહી આર્થિક રીતે સશક્ત બની શકે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.17. ગુજરાતની ધરતી પર અનેક એવી મહિલાઓ છે જેઓએ પોતાના પરિશ્રમ અને પ્રતિભાથી જીવનનો માર્ગ ઉજ્જવળ બનાવ્યો છે. એવી જ એક પ્રતિભાશાળી વ્યારાની ફેશન ડિઝાઇનર શ્રીમતી અલ્પા ચૌધરી છે જેઓ દુનિયા માટે સફળ ફેશન ડિઝાઇનર તરીકે ઓળખાય છે, પરંતુ પોતાના મનથી તો તેઓ ગુજરાતની આત્મનિર્ભર મહિલા છે. તેમણે સ્વદેશી કારખાનાની સુગંધને આદિવાસી બહેનોના સ્વાભિમાન સાથે જોડીને એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયત્ન કર્યો છે.
અલ્પાબેન ચૌધરી વર્ષોથી કોટનની કુર્તીઓ અને હેન્ડમેડ જ્વેલરી બનાવે છે. તેમના માટે આ માત્ર વ્યવસાય નથી, પરંતુ સમાજ પ્રત્યેની એક સેવા છે. તેઓ આજુબાજુની આદિવાસી બહેનોને તાલીમ આપી તેમને હસ્તકલા શીખવે છે અને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપે છે. આ બહેનોની આંખોમાં ઝળહળતો સ્વાભિમાન અને આત્મવિશ્વાસ જ અલ્પાબેનને સતત આગળ વધવાની શક્તિ અને ઉત્સાહ આપે છે.
અલ્પાબેન ચૌધરીનો જીવનમંત્ર સ્પષ્ટ છે જો ગુજરાતનો દરેક નાગરિક “હર ઘર સ્વદેશી” અને “લોકલ ફોર વોકલ”નો સંકલ્પ લે, તો આપણા નાના મોટા વેપારીઓ અને કારીગરોની દિવાળી ખરેખર પ્રકાશિત થઈ ઊઠે.
તેમના ડિઝાઇનમાં ગુજરાતની સંસ્કૃતિ, સ્વદેશી કાપડ અને હેન્ડમેડ કલાની કારીગરીનું એવું અનોખું સંયોજન જોવા મળે છે, જે આદિવાસી બહેનોની મહેનતને આધુનિક ફેશનના મંચ સુધી પહોંચાડે છે.
તેમના ડિઝાઇનમાં ગુજરાતની સંસ્કૃતિ, સ્વદેશી કાપડ અને હેન્ડમેડ કલાની કારીગરીનું એવું અનોખું સંયોજન જોવા મળે છે, જે આદિવાસી બહેનોની મહેનતને આધુનિક ફેશનના મંચ સુધી પહોંચાડે છે.
અલ્પાબેન ચૌધરીએ પ્રસિદ્ધ ફિલ્મ ‘જોધા અકબર’ની ફેશન ડિઝાઇનર શ્રીમતી નીતા લુલ્લા પાસેથી વિશેષ તાલીમ મેળવી છે. અનેક વ્યાવસાયિક તકાઓ હોવા છતાં, તેમણે પોતાના હૃદયના અવાજને અનુસરતા આદિવાસી બહેનોને આત્મનિર્ભર બનાવવાનું સ્વપ્ન જોયું અને આજે તે સ્વપ્નને સાકાર કરી રહ્યા છે.
અલ્પાબેનની આ સફર એ સાબિત કરે છે કે જ્યારે એક સ્ત્રી પોતાના સ્વપ્નમાં વિશ્વાસ રાખે છે, ત્યારે તે માત્ર પોતાનું નહીં, પણ અનેક મહિલાઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે.તેઓ આજે આદિવાસી બહેનોના આર્થિક સશક્તિકરણ, હસ્તકલા ઉદ્યોગના વિકાસ અને સ્વદેશી અભિયાનની જીવંત પ્રેરણારૂપ પ્રતિમૂર્તિ બની છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
