તાપી જિલ્લામાં ખાદ્ય સુરક્ષા વિભાગની ત્રણ હોટલ પર દંડની કાર્યવાહી
બે હોટલ માલિકોને રૂ.૧ લાખનો અને એક રેસ્ટોરન્ટને લાયસન્સ વિના વ્યવસાય બદલ રૂ.૨૫,૦૦૦ નો દંડ મળી કુલ રૂ.૨.૨૫ લાખનો દંડ ફટકારાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૪. તાપી જિલ્લાના ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા ખાદ્ય ચીજોની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન, વિવિધ હોટલો અને રેસ્ટોરન્ટમાંથી ખાદ્ય ચીજોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તપાસ બાદ ત્રણ સ્થળોએ ખાદ્ય ધોરણોના ઉલ્લંઘન સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ફૂડ સેફટી ઓફિસરશ્રીએ હોટલ તુલસી ઇન, મુ. બુટવાડા, તા. વાલોડ ખાતે પનીર પસંદા (પ્રિપેરડ ફુડ-લૂઝ) નો નમૂનો મેળવ્યો હતો. તે જ રીતે ન્યુ વેલકમ ફેમીલી ઢાબા, ટીચકપુરા, વ્યારા ખાતે લેવામાં આવેલ સેવ ટમેટા (પ્રિપેરડ ફુડ-લૂઝ) નો નમૂનો મેળવ્યો હતો. આ બંને હોટલોના પરીક્ષણના પરિણામ મુજબ બંને કેસોમા નમુનાઓ સબસ્ટાન્ડર્ડ જાહેર થતા હોટલના માલિક તેમજ નમૂના આપનાર વિરુદ્ધ એજ્યુડિકેટીંગ ઓફિસર, તાપી સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કોર્ટના નિર્ણય મુજબ બંનેને રૂ. ૧-૧ લાખ (એક-એક લાખ) નો દંડ ફરમાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત બાવરચી રેસ્ટોરન્ટ એન્ડ બકેટ હોલ, વ્યારા ખાતે ફૂડ લાયસન્સ વિના ખાદ્ય વ્યવસાય ચલાવતા હોવાનું બહાર આવતા, એજ્યુડિકેટીંગ ઓફિસર સમક્ષ દાખલ કરાયેલા કેસમાં સંબંધિત માલિકને રૂ. ૨૫,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો હતો.એમ ખોરક અને ઔષધ નિયમાં તંત્રની અખબારી યાદીમાં જણાવાયું છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
