તાપીના પ્રભારી મંત્રીશ્રીની અધ્યક્ષતામાં ઉકાઈ ખાતે વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી
૩.૦૯ કરોડથી વધુના ૧૬૦ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું
ઉકાઈ ખાતેથી મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે વિકાસ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૮. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત તાપી જિલ્લાના નવ રચિત ઉકાઈ તાલુકા પંચાયત ખાતે પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં અને રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના ૧૪૮.૮૦ લાખના ૭૪ કાર્યોનું ઇ-લોકાર્પણ તથા ૧૬૦.૨૦ લાખના ૮૬ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત એમ કુલ મળી ૩.૦૯ કરોડથી વધુના ૧૬૦ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.
આ અવસરે પ્રભારી મંત્રીશ્રીએ નાગરિકોને સંબોધતા જણાવ્યુ હતું કે દેશના વડાપ્રધાનશ્રીએ સૌનો સાથ સૌનો વિકાસને ચરિતાર્થ કરવા અને રાજ્યના છેવાડા ગામ સુધી વિકાસના પ્રકાશને પહોંચાડવાનો સંકલ્પ લીધો છે. તાપી જિલ્લાના તમામ નાગરિક સુધી શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને આધારભૂત સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. તેઓએ હર્ષ વ્યક્ત કરતા કહ્યું હતું કે વિકાસ સપ્તાહ પહેલા જ તાપી જિલ્લાને ઉકાઈ તાલુકાની ભેટ આપી છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ ઉકાઈથી વિકાસ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં ફરશે અને સરકાર દ્વારા અમલમાં મુકાયેલા વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી લોકોને પહોંચાડશે. સાથે જ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડોર-ટુ-ડોર કલેક્શન માટેનાં ૬ નવા વાહનોને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા હતા તેમજ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું. વિશેષ કરીને ગુણસદા ફાર્મ સ્કૂલમાં ૧૬૦ વિધાર્થીઓની ક્ષમતા ધરાવતી નવી કુમાર છાત્રાલયનું ઈ-ખાતમૂહર્ત પણ કરાયું હતું.
આ અવસરે કાર્યક્રમ દરમ્યાન ૨૪ વર્ષના વિકાસની જાંખી દર્શાવતી ટૂંકી ફિલ્મ રજૂ કરાઈ હતી તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભો વિતરણ કરાયા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલિમસિંહ વસાવા, ધારાસભ્ય ડૉ. જયરામ ગામીત, જિલ્લા કલેકટર ડૉ. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા તેમજ જિલ્લાના હોદ્દેદારો,સ્થાનિક પ્રતિનિધિઓ આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
