વ્યારામાં આવતીકાલે ‘યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ’ યોજાશે: મોટી સંખ્યામાં યુવાનોને રોજગારી પત્રોનું વિતરણ કરવામાં આવશે
“તાપી જિલ્લા વિકાસ સપ્તાહ ઉજવણી-૨૦૨૫”
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઑક્ટોબર ૭, ૨૦૨૫. ગુજરાત સરકાર દ્વારા ઉજવાઈ રહેલા ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે, તાપી જિલ્લામાં આજે બુધવાર, ૮મી ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ યુવાનોને રોજગાર અને તાલીમની તકો પૂરી પાડવા માટે એક ભવ્ય “યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ઑડિટોરિયમ હૉલ, બ્લોક-૧૩, જિલ્લા સેવા સદન વ્યારા ખાતે યોજાશે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો અને નાગરિકોને જોડવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ, જળા સંસાધન અને પાણી પુરવઠા મંત્રી, તથા જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને યુવાનોને પ્રોત્સાહિત કરશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા અને મહુવા, નિઝર, તેમજ વ્યારા વિધાનસભાના માન. ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિતિ રહેવાના છે.
વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે રોજગાર વાંચ્છુક યુવાનોને વિવિધ કંપનીઓમાંથી મેળવેલા રોજગાર અને એપ્રેન્ટિસ પત્રોનું વિતરણ કરવામાં આવશે. તેમજ ITIના તાલીમાર્થીઓને તાલીમ અને પ્રોત્સાહન માટે મોટિવેશનલ સ્પીકર લેકચર અને ઉદ્યોગિક એકમો સાથે મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાર (MOU) પણ કરવામાં આવનારા છે, જે કૌશલ્ય અને ઉદ્યોગ વચ્ચેના સહયોગને વધુ મજબૂત બનાવશે.
તાપી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમ, જિલ્લાના યુવાનોને કૌશલ્ય સાથે રોજગારીની તક આપીને તેમને આત્મનિર્ભર બનાવવાની રાજ્ય સરકારની પહેલના ભાગરૂપે કરવામાં આવ્યો છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
