રાજ્ય સરકાર દ્વારા ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવથી ડાંગર, મકાઇ, બાજરી, જુવાર અને રાગી ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે
ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.06. ભારત સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે ટેકાનો ભાવ ડાંગર (કોમન) માટે રૂ. ૨૩૬૯/- પ્રતિ ક્વિ. ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. ૨૩૮૯/- પ્રતિ ક્વિ., મકાઈ માટે રૂ. ૨,૪૦૦/- પ્રતિ ક્વિ., બાજરી માટે રૂ.૨,૭૭૫/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ કિવ.), જુવાર(હાઈબ્રીડ) રૂ. ૩,૬૯૯/- પ્રતિ ક્વિ, (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ કિવ.), જુવાર (માલદંડી) રૂ.૩,૭૪૯/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ કિવ.) તથા રાગી માટે રૂ. ૪,૮૮૬/- પ્રતિ ક્વિ. (ઉપરાંત વધારાનું બોનસ રૂ. ૩૦૦/- પ્રતિ કિવ.) નિયત કરવામાં આવેલ છે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવશે.
લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઇ, બાજરી, જુવાર અને રાગીનું વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૧૦/૨૦૨૫ થી ૩૧/૧૦/૨૦૨૫ સુધી કરવામાં આવશે. તેમજ ડાંગરની ખરીદી તા. ૦૧/૧૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી તથા મકાઈ, બાજરી, જુવાર તથા રાગની ખરીદી તા. ૦૧/૧૧/૨૦૨૫ થી ૩૦/૦૧/૨૦૨૬ સુધી કરવામાં આવશે.
ખેડૂતોએ ખાસ નોંધ લેવી કે ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે. નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, ૭/૧૨,૮/અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮/અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત છે. જેના માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવી.
ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ કરવામાં આવશે નહીં.
નોંધણી બાબતે કોઈ મુશ્કેલી મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. એમ તાપી જિલ્લા પુરવઠા અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
