ઓલપાડ નગર સ્થિત અસ્નાબાદ પ્રાથમિક શાળાએ સક્ષમ શાળા તરીકેનો એવોર્ડ હાંસલ કર્યો
શાળા તાલુકા કક્ષાએ પ્રથમ જ્યારે જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમે સક્ષમ જાહેર થઈ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તાજેતરમાં જિલ્લા પંચાયત કચેરી, સુરત ખાતે સને ૨૦૨૪-૨૫ નો સક્ષમ શાળા પુરસ્કાર વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સમારોહમાં જિલ્લા તથા તાલુકા કક્ષાએ મળી કુલ ૧૫ જેટલી શાળાઓને ટ્રોફી, પ્રમાણપત્ર સહિત રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી. જે પૈકી ઓલપાડ તાલુકામાંથી અસ્નાબાદ પ્રાથમિક શાળાએ સૌથી સ્વચ્છ, હરિયાળી અને સલામત શાળા તરીકેનો તાલુકા કક્ષાએ પ્રથમ જ્યારે જિલ્લા કક્ષાએ દ્વિતીય ક્રમનો સક્ષમ શાળા અંગેનો પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો હતો.
શાળાનાં આચાર્ય વિનોદ ત્રિવેદીએ ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે સદર એવોર્ડ પ્રાપ્ત કરી આનંદસહ સમગ્ર શાળાનાં બાળકો, સાથી શિક્ષક ભાઈ-બહેનો તથા શાળા વ્યવસ્થાપન સમિતિનો આભાર વ્યક્ત કયો હતો. આ પુરસ્કારથી સમસ્ત અસ્નાબાદ ગામ સાથે ઓલપાડ તાલુકાનું ગૌરવ વધવા પામ્યું છે. આ તકે સમગ્ર શાળા પરિવારને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, વાલીજનો ઉપરાંત ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતાં.
રિપોર્ટ: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
