શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા ૨૦૨૫ : તાપી જિલ્લાના પંડાલોને શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધામાં ઇકોફ્રેંડલી અને ‘લોકલ ફોર વોકલ’ના અભિગમ હેઠળ ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ
શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા ૨૦૨૫ તેમજ નેશનલ સ્પોર્ટ્સ ડે સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઇ
–
શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા ૨૦૨૫ હેઠળ પરંપરા, સંસ્કૃતિ અને સામાજિક-દેશભક્તિના સંદેશ તેમજ વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપતા ગણેશ પંડાલોને રાજ્ય કક્ષાએ રોકડ પુરસ્કાર જીતવાની તક
–
તાપી જિલ્લાના પંડાલોને શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધામાં ઇકોફ્રેંડલી અને ‘લોકલ ફોર વોકલ’ના અભિગમ હેઠળ ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કરતા કલેક્ટર ડો.વિપિન ગર્ગ
–
૨૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન વિવિધ રમતોનું આયોજન કરી નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાશે: વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા રમતવીરોને અનુરોધ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૧. તાપી જિલ્લા સેવાસદનના સભાખંડ ખાતે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા ૨૦૨૫ તેમજ આગામી ૨૯ ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી સંદર્ભે યોજાયેલ પત્રકાર પરિષદ યોજાઇ હતી.
પત્રકાર પરિષદને સંબોધતા કલેક્ટર ડો.વિપિન ગર્ગે જણાવ્યું કે, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં “શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા ૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું છે.
કલેક્ટર ડો.વિપિન ગર્ગે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લામાં ગણેશ પંડાલની પસંદગી કરવામાં માટે મંડપ શણગાર, સામાજીક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી (ઇકો ફ્રેન્ડલી), ઓપરેશન સિંદુર-દેશ ભકિત, સ્વદેશી, પંડાલની સ્થળ પસંદગી વગેરે બાબતોને ધ્યાને લઈ નિર્ણાયક સમિતી દ્વારા પંડાલની પસંદગી કરી રાજ્યકક્ષાએ મોકલવમાં આવશે.
કલેક્ટરશ્રીએ પુરસ્કારોની વિગતો આપતા જણાવ્યું હતું કે, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર ખાતે રાજ્યના ૨૯ જિલ્લાઓ માંથી પસંદ થયેલ “બેસ્ટ ઓફ થ્રી” પંડાલો માંથી પ્રથમ વિજેતા શ્રેષ્ઠ પંડાલને રૂ. ૫ લાખ, દ્વિતિય ક્રમે રૂ. ૩ લાખ, તૃતીય ક્રમે રૂ. ૧.૫ લાખ તથા પાંચ પંડાલોને રૂ. ૧ લાખનો પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે. આ સ્પર્ધા તાપી જિલ્લાના વધુમાં વધું ગણેશ પંડાલો ભાગ લે તેવી આશા વ્યક્ત કરી હતી.
કલેક્ટરશ્રીએ અંતમાં જણાવ્યું કે –રાજ્ય સરકાર દ્વારા ગણેશોત્સવને સર્જનાત્મકતા, કલા અને સામાજિક સંદેશ સાથે લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવાનો આ સુંદર પ્રયાસ છે. તાપી જિલ્લાના પંડાલોએ ઉત્સાહભેર ભાગ લેવું જોઇએ.
આ સાથે ગુજરાત સરકાર દ્વારા તા.ર૯ ઓગષ્ટ થી તા.૩૧ ઓગષ્ટ એમ કુલ ૦૩ દિવસ સુધી આ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવનાર છે તે અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે,તાપી જિલ્લામાં પણ તા.૨૯ ઓગષ્ટ થી તા.૩૧ ઓગષ્ટ એમ કુલ ૦૩ દિવસ સુધી આ નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવશે.
જેમાં તા. ૨૯ ઓગષ્ટ ના રોજ તાપી જિલ્લાની સમગ્ર શાળાઓમાં, કોલેજોમાં, આઇ.ટી.આઇ.કોલેજોમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની સપથ ગ્રહણ થી શરૂઆત કરી ત્યારબાદ રમત ગમત વિભાગની એસ.ઓ.પી મુજબ વિવિધ રમતોનું આયોજન કરી નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવશે.
તા. ૩૦ ઓગષ્ટના રોજ પોલિસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તાપી જિલ્લા પોલિસ વિભાગ દ્વારા રસ્સા ખેંચ સ્પર્ધાઓનું તેમજ ગ્રામ્ય લેવલ પર શૂટીંગ બોલ અને રસ્સા ખેંચ તેમજ તા. ૩૧ ઓગષ્ટના રોજ તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “સન્ડે ઓન સાઇકલ” ની થીમ ઉપર સાઇકલીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે જેમાં જેમાં મોટીસંખ્યામાં તાપી જિલ્લાના રહેવાસીઓને ભાગ લેવા માટે નમ્ર અપીલ કરી હતી.
વધુમાં ગુજરાત સરકાર દ્વારા આગામી યોજાનાર ખેલ મહાકુંભનુ રજીસ્ટ્રેશન પણ તા.૨૯ ઓગષ્ટના રોજ થી શરૂઆત થનાર છે. તો તાપી જિલ્લાના રમત પ્રેમીઓને વધુમાં વધુ ખેલાડીઓને રજીસ્ટ્રેશન કરી ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલીયા,પ્રાયોજના વહિવટદારશ્રી જયંતસિંહ રાઠોર,સનદી અધિકારી સુશ્રી રિતિકા આઇમા,નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરડ,નાયબ પોલિસ અધિકક્ષકશ્રી પી.જી.નરવડે, યુવા વિકાસ અધિકારી તેમજ રમત-ગમત વિકાસ અધિકારી,જિલ્લા માહિતી અધિકારી સહિત મોટી સંખ્યામાં પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિસ્પર્ધા ૨૦૨૫ ની પ્રતિતોગીતામાં ભાગ લેવા માટે ના ફોર્મ જિલ્લા યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિની કચેરી, બ્લોક નં ૬ પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, પાનવાડી, વ્યારા ખાતે થી રૂબરુ મેળવી તા. ૨૫.૦૮.૨૦૨૫ બપોરે ૧૨ કલાક સુધીમાં નિયત નમૂનામા ભરી પરત જમા કરવાનું રહેશે. સમય મર્યાદા બાદ ફોર્મ માન્ય રહેશે નહીં. વધુ માહીતી માટે મો.૯૮૨૫૧૨૨૩૪૮,મો. ૯૪૦૮૫૫૩૬૫૧ તેમજ ૦૨૬૨૬૨૨૧૬૨૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

