રાજ્યના ખેડૂતોની ટુંકી મુદતની પાક ધિરાણ રકમ પરત ભરપાઈ કરવાની સમય મર્યાદા વધુ ત્રણ મહિના વધારી આપતી કેન્દ્ર સરકાર
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધરતીપુત્રોનાં વ્યાપક હિત માં કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ
હવે ખેડૂતો ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં ટૂંકી મુદતનું પાક ધીરાણ પરત ભરપાઈ કરી શકશે
મોરેટોરિયમ પીરીયડ ત્રણ માસ વધારી અપાયો
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતો/ધરતીપુત્રોના વ્યાપક હિતમાં ખેડૂતોના ટુંકી મુદ્દતના પાક ધીરાણની રકમ પરત ભરવાની મુદ્દત વધારી આપવા ભારત સરકારમાં કરેલી રજૂઆતનો સંવેદના સ્પર્શી પ્રતિસાદ મળ્યો છે.
ભારત સરકારે આ મુદ્દત વધુ ત્રણ મહિના માટે એટલે કે, તા. ૩૧મી ઓગષ્ટ-૨૦૨૦ સુધી વધારી આપી છે.
મુખ્યમંત્રીએબ કોરોના વાઇરસને કારણે પ્રવર્તમાન લૉકડાઉનની સ્થિતિમાં ખેડૂતોના પાક વેચાણને પડેલી અસરથી બેન્કોમાંથી લીધેલી ટૂંકી મુદ્દતનું ધીરાણ તારીખ ૩૧મી માર્ચ-૨૦૨૦ સુધીમાં ભરપાઈ કરી શકે તેમ ન હોઈ, અગાઉ આ મુદ્દત તારીખ ૩૧મી મે-૨૦૨૦ સુધી લંબાવવા રજૂઆત કરી હતી જેને પગલે ભારત સરકારે આ મુદ્દતતારીખ ૩૧મી માર્ચથી તારીખ ૩૧મી મે કરી આપી હતી.
ખેડૂતોને સાત ટકાના દરે પાક ધીરાણને બદલે ઝીરો ટકા વ્યાજે આવું ધીરાણ આપીને ત્રણ ટકા ભારત સરકાર અને ચાર ટકા રાજ્ય સરકાર વ્યાજ ચૂકવશે.
મુખ્યમંત્રીએ અગાઉ કરેલી રજૂઆત મુજબ ભારત સરકારે તારીખ ૩૧મી મે સુધી એટલે કે બે મહિના માટે ખેડૂતોને ધીરાણ ભરપાઈ કરવાની મુદ્દત વધારી આપી હતી અને રાજ્યના ચોવીસ લાખથી વધુ ખેડૂતોને તેનો લાભ મળે તે સુનિશ્ચિત કર્યું હતુ.
આવા વધારાના સમયના વ્યાજનું અંદાજે ૧૬૦ કરોડનું ભારણ પણ રાજ્ય સરકારે વહન કરેલું છે અને મોટાભાગના ખેડૂતોએ આ સમયગાળામાં પોતાની પાક ધીરાણ રકમ ભરપાઈ પણ કરી દીધી છે.
મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના કિસાન અગ્રણીઓ તથા ખેડૂતોએ રજૂઆત કરી હતી કે, આવા પાક ધીરાણ લોન ભરપાઈ કરવાની મુદ્દત જો વધુ ત્રણ માસ લંબાવી આપવામાં આવે તો બાકી રહી ગયેલા ખેડૂતો પણ ધીરાણ ભરપાઈ કરી શકે અને આગામી ખરીફ ઋતુ માટે પાક ધીરાણનો લાભ મેળવી શકે.
મુખ્યમંત્રીએ રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં આ રજૂઆત ભારત સરકાર સમક્ષ કરતાં ભારત સરકારે ખેડૂતોના ધીરાણની ભરપાઈ માટેનો મોરેટોરિયમ પીરીયડ વધુ ત્રણ માસ એટલે કે તારીખ ૩૧મી ઓગષ્ટ-૨૦૨૦ કરી આપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કિસાન હિતકારી આ અભિગમ માટે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, કોરોના વાઇરસના પરિણામે લૉકડાઉનમાં આર્થિક રીતે વિપરીત સ્થિતિમાં મૂકાઈ ગયેલા ધરતી પુત્રોને કેન્દ્ર સરકારે અગાઉ બે મહિના માટે મુદ્દત વધારો આપીને ઝીરો ટકા વ્યાજે ધીરાણ ભરપાઈ કરવાની સુવિધા કરી આપી હતી. હવે તારીખ ૩૧મી ઓગષ્ટ સુધી ધીરાણ ભરપાઈ કરવાની મુદ્દત વધારીને મોટી રાહત આપી છે.