સમગ્ર ભારતની સાથે વ્યારામાં ‘પી.એમ. કિસાન ઉત્સવ’ કાર્યક્રમ યોજાયો
તાપી જિલ્લાના ૯૨ હજારથી વધુ ખેડૂતો લાભાર્થીઓના ખાતામાં ૨૦માં હપ્તા અન્વયે રૂ. ૧૯.૨૪ કરોડથી વધુ જમા કરાયા
ખેડૂતો, યુવાનો, બહેનો અને આદિવાસી લોકો માટેની યોજનાઓ થકી આપણા વિકાસ દરમાં સતત વધારો થયો છે : રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૦૨. દેશભરની સાથે તાપી જિલ્લામાં આજે જિલ્લા કક્ષાનો ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ અંતર્ગતનો કાર્યક્રમ જિલ્લા પંચાયત હોલ, વ્યારા ખાતે યોજાયો હતો. આ સમારંભ રાજ્ય મંત્રી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના શ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમના ભાગરૂપે તાપી જિલ્લાના ૯૨ હજારથી વધુ ખેડૂત લાભાર્થીઓના ખાતામાં પી.એમ. કિસાન સન્માન નિધિના ૨૦માં હપ્તા પેટે રૂ. ૧૯.૨૪ કરોડથી વધુ રકમ જમા કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ ખેડૂતો અને જન મેદનીને સંબોધીને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોના ઉત્કર્ષ અને ખેતી ક્ષેત્રના ઉજ્જવળ ભાવિ માટે સતત પ્રયત્નશીલ છે. ખેડૂત પરિવારના જેટલા પણ સભ્યોના નામ ૭/૧૨માં હોય આ તમામ સભ્યોને ખેડૂત ખાતામાં દર મહીને રૂ.૨ હજાર તેમજ તમામ ખેતરોમાં વીજ જોડાણ મળે તેવી વ્યવસ્થાનો નિર્ણય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લીધો હતો. સાચું ભારત ત્યારે જ વિકસિત બને જયારે આપણા દેશના તમામ ખેડૂતોનો ઉદ્ધાર થાય. જંગલમાં રહેતા ખેડૂતોને આ સરકારે સનદ અપાવ્યા છે. ૧ લાખ ૨૫ હજારની ટ્રેક્ટરની સબસીડીનો નિર્ધાર મૃદુ અને મક્કમ એવા ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે કર્યો. પ્રધાન મંત્રી આવાસ સન્માન નિધિમાં ૧.૨૦ હજાર કેન્દ્ર સરકાર આપતી હતી તેમાં રાજ્ય સરકાર તરફથી બીજા ૫૦ હજાર ઉમેરવામાં આવ્યા છે જેના કારણે ગામના દરેક વ્યક્તિના આજે પાકા મકાનો બનવા લાગ્યા. સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને મહિને રૂ. ૯૦૦/-ની સહાય આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીની વ્યાપ વધારવામાં નામદાર રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખુબ પ્રયત્નો કર્યા છે. ગુજરાત કૃષિક્ષેત્રની સાથે સાથે શ્વેતક્રાંતિમાં દેશમાં પ્રથમ ક્રમાંકે છે જેનો શ્રેય ગુજરાતની મહિલાઓને જાય છે.
મંત્રીશ્રીએ પોતાની વાત કરતા આગળ કહ્યું હતું કે તમારા દીકરાને સરકારની આટલી સહાય અને સુવિધા આપે છે તો તેઓએ ચોક્કસ આગળ વધવું જ જોઈએ. અત્યારે ફ્રીશીપની સુવિધા આપતું એક જ રાજ્ય હોય તો તે ગુજરાત છે. આપણા વડાપ્રધાનશ્રીએ ૧૦ લાખ નમો દેવી લક્ષ્મી બનાવવા માટે નેમ લીધેલી છે. જી-૨૦ સમીટ અને વાઈબ્રન્ટ ગુજરાતને લીધે આપણા ગુજરાતનો વ્યાપારિક વ્યાપ વધ્યો છે. મંત્રીશ્રીએ આગળ ઉમેર્યું હતું કે હું રોજગાર મંત્રી હોવાથી જાણું છુ કે ગુજરાત રોજગાર ક્ષત્રે પણ સમગ્ર દેશમાં અગ્રેસર છે.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાએ જણાવ્યું હતું કે આજનો દિવસ એ ખેડૂતો માટેનો ઉત્સવ છે. તાપી જિલ્લો ખેતી ક્ષેત્રે અગ્રેસર બને તે માટે અનેકવિધ યોજનાઓ હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. સરકારશ્રીની યોજનાઓની સફળ અમલવારી માટે વહીવટી તંત્ર કટિબધ્ધ છે.
જિલ્લા કક્ષાના વ્યારા ખાતેના પી.એમ કિસાન ઉત્સવ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ ખેતીવાડી યોજનાના લાભાર્થી ખેડૂતોને પૂર્વ મંજુર સહાય હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. કિસાન સન્માન નિધિના લાભાર્થી ખેડૂતોએ તેમની સાફલ્ય ગાથા રજૂ કરી હતી.
આ પ્રસંગે વિવિધ કૃષિ કલ્યાણની યોજનાઓ હેઠળ મહાનુભાવોના હસ્તે ખેડૂતોને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. સર્વે ઉપસ્થિતોએ આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું વર્ચ્યુઅલી પ્રસારણ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં વ્યારા ખાતેથી કલેકટર ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી રામ નિવાસ બુગાલીયા, પ્રાંત આધિકારી સંદીપ ગાયકવાડ, ખેતીવાડી અધિકારી ચેતનભાઈ ગરાસીયા, તાલુકા વિકાસ અધિકારી તથા ખેતીવાડી/બાગાયત વિભાગના અધિકારી/કર્મચારીઓ અને જિલ્લાના ખેડૂતો, લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

