માંડવી તાલુકાનાં ગામતળાવખુર્દ ખાતે ગ્રામ વિકાસ માટે ગ્રામ સંવાદ-2025 કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

 (પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :   સહારો ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરતનાં માંડવી તાલુકાનાં ગામતળાવખુર્દ ખાતે ‘ગ્રામ સંવાદ-2025’ નામક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખાસ કરીને ગ્રામ વિકાસ અને સશક્ત સ્થાનિક શાસન માટે સરપંચો અને ગ્રામ પંચાયતનાં આગેવાનોને નિર્દેશિત કરીને યોજવામાં આવ્યો હતો. ટ્રસ્ટે યજમાન સંસ્થા તરીકે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે આયોજન કર્યુ અને સમગ્ર પ્રસ્તાવનાથી લઈ અમલ સુધીની જવાબદારી સંભાળી હતી. કાર્યક્રમનું મુખ્ય માર્ગદર્શન સુરેશ છાંગા પૂર્વ સરપંચ કુનરિયા ગ્રામ પંચાયત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે પંચાયતી રાજ ક્ષેત્રમાં પોતાનાં અનુભવોનાં આધારે સરપંચો અને ઉપસ્થિત જન પ્રતિનિધિઓને પ્રર્વતમાન વ્યવસ્થાઓ અને સફળ વિકાસ મોડેલ અંગે માંગર્દશન આપ્યું હતું.

કાર્યક્રમમાં સહભાગી સરપંચો અને પંચાયત સભ્યો સાથે ગ્રામ પંચાયત વિષયક મૂળભૂત સમજણ, 73મો બંધારણીય સુધારો અને ગ્રામ શાસનનાં ત્રિસ્તરીય ઢાંચાની સમજ વિસ્તૃતપણે રજૂ કરવામાં આવી. ગ્રામ પંચાયત વિકાસ યોજના કેવી રીતે લોકભાગીદારીથી તૈયાર કરવી તે માટેની પ્રક્રિયાની સમજ આપવામાં આવી. સરપંચ તથા પંચાયત સભ્યોનાં અધિકારો અને જવાબદારીઓની ચર્ચા સાથે તેઓનાં નૈતિક કાયદાકીય હક અને ફરજો અંગે માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમ દરમિયાન ગ્રામ્ય સ્તરે યોજનાઓ અને ખર્ચ માટે આવશ્યક ડોક્યુમેન્ટેશન-મિટીંગ ઓફ મિનિટ્સ, ખર્ચની યાદી, ખર્ચનો હિસાબ વગેરે કેવી રીતે કરવો તેની પ્રાયોગિક માહિતી આપવામાં આવી. ડિજીટલ યુગમાં ગ્રામ પરિવર્તન માટે ઉપયોગી ડિજીટલ ટૂલ કીટ્સ અને ટકાઉ વિકાસ લક્ષ્યાંકોનો ગ્રામ્ય ભારતમાં અમલ કેવી રીતે શક્ય બને તે અંગે પણ રસપ્રદ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

સંપૂર્ણ કાર્યક્રમ દ્રષ્ટિપ્રેરક રહ્યો અને તેમાં ઉપસ્થિત સરપંચો, આગેવાનો તથા મહિલાઓએ ઊંડા સંવાદ સાથે સક્રિય ભાગ લીધો. સહારો ચેરસ્ટિબલ ટ્રસ્ટે તેનાં પ્રયાસથી માત્ર એક તાલીમ કાર્યક્રમ નહિં પણ એક સક્રિય સાથ અને સમજણથી સમૃદ્ધ સંવાદ સાધ્યો જે ગ્રામ વિકાસ માટે એક મજબૂત પગથિયું સાબિત થશે. કાર્યક્રમનાં અંતે સૌ લોકોએ સશક્ત પંચાયત અને સંવેદનશીલ શાસન માટે સ્વૈચ્છિક મહેનત કરવાની અને સમય આપવાની તત્પરતા દર્શાવી હતી.

તસવીર: વિજય પટેલ (ઓલપાડ )

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *