સુરત સર્કલના અધિક્ષક ઈજનેરશ્રીએ તાપીના જિલ્લાના માર્ગ અને બ્રિજની સમીક્ષા કરી
તાપી જિલ્લાના માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના લગભગ તમામ રસ્તાઓ ખુબ સારી સ્થિતિમાં: અધિક્ષક ઈજનેર શ્રી એ. જી. વસાવા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૬. તાપી. સુરત સર્કલના માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગના અધિક્ષક ઈજનેર શ્રી એ. જી. વસાવાએ તાપી જિલ્લાના વિવિધ સ્થળોની મુલાકાત લઇ માર્ગો અને બ્રીજોની સમીક્ષા કરી હતી. આ મુલાકાતમાં તાપી જિલ્લાના કાર્યપાલક ઈજનેર શ્રી એમ.એન પટેલ પણ સહભાગી થયા હતા. શ્રી વસાવા અને સ્ટાફમિત્રોએ માર્ગોની સ્થળ ચકાસણી, મરામત અને સુરક્ષા બાબતે ખરાઈ કરવામાં આવી હતી. નોંધનીય છે કે તાપી જિલ્લામાં કુલ ૨૯ મેજર અને ૮૦ માઈનોર બ્રીજ રાજ્યના માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના છે.
મુલાકાત દરમિયાન વધુ વિગતો આપતા અધિક્ષક ઈજનેરશ્રીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીના સૂચનને પગલે તમામ માર્ગો અને પુલોની જાત તપાસણી હાલ ચાલુ છે. અમે ચોમાસા અગાઉ ૩૨ બ્રીજોને રીપેર કરી વાહન વ્યવહાર યોગ્ય બનાવેલ છે. અધિક્ષક ઈજનેર શ્રી વસાવાએ ધામણદેવી- સકા કેવડી રોડ પર આવેલા બ્રીજનું નિરીક્ષણ કરતા જણાવ્યું હતું કે ૨૧૬ મીટર લંબાઈ ધરાવતો આ પુલ ૨૦૧૮ માં બાંધવામાં આવેલો છે. અન્ય બ્રીજ સહીત આ બ્રીજ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને વાહન વ્યવહાર યોગ્ય જણાયો છે. માર્ગ અને મકાન (સ્ટેટ) જિલ્લાના તમામ રસ્તાઓ અને પુલની નિભાવણી, જાળવણી અને સલામતી બાબતે કટિબદ્ધ છે.
આ ઉપરાંત સમગ્ર ટીમે પાઠકવાડી, ઉમરવાવ- ચુનાવાડી-રાયગઢ તેમજ પદમડુંગરી સાઈટ રોડની સ્થળ તપાસણી કરી હતી. તમામ માર્ગ અને પુલને સિમેન્ટ કોન્ક્રીટ, કોલ મિક્ષ મટીરીયલ અને કોન્ક્રીટ બ્લોક જેવા મટીરીયલથી સમયાંતરે મરામત કરવામાં આવે છે કે કેમ તે અંગે ખાતરી કરી હતી. આ વિભાગ અંતર્ગત પેચ વર્ક પેવર પટ્ટાની મોટાભાગની કામગીરી ચોમાસા પહેલા જ પૂર્ણ કરવામાં આવેલ છે જેનાથી લોકોને ચોમાસાના સમયે તકલીફ ન પડે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

