સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં વરસાદના પગલે નુકસાનગ્રસ્ત થયેલ રસ્તાઓની તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૭. તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. જેના પરિણામે જિલ્લામાં અનેક માર્ગો નુકસાનગ્રસ્ત બન્યા છે. તાપી જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ તેમજ નગરપાલિકાઓએ પોતાના કાર્યક્ષેત્રના રસ્તાઓની તાત્કાલિક રીપેરીંગ કામગીરી શરૂ કરી છે.
વિશેષ કરીને આજે સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા કેટલાક રસ્તાઓ નુક્શાનગ્રસ્ત થયા હતા. જેના પગલે નગરપાલિકા ટીમ દ્વારા તાત્કાલિક રોડની સરફેસિંગ કામગીરી હાથ ધરાઈ હતી. તેમજ લોકોની અવરજવર સરળ બને એ માટે તાત્કાલિક સફાઈ, મટિરિયલ ભરી, મરામત કરી વાહન વ્યવહાર પુનઃ ચાલુ કરવામાં આવ્યો હતો.
તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પણ રસ્તાઓમાં પડેલા ખાડા તેમજ તૂટી ગયેલા રસ્તાઓની મરામત કામગીરી માટે ટીમોને સક્રિય કરવામાં આવી છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

